Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

આજનો દિ' સિસ્ટમ્સની અસર રહેશે : કયાંક હળવાથી ભારે વરસી જાયઃ કાલથી વાતાવરણ ચોખ્ખુ

બંગાળવાળી સિસ્ટમ્સ રાજસ્થાન અને પાકિસ્તાન તરફ મૂવ કરી રહી છેઃ કચ્છ, રાજકોટ, મોરબી, માળીયામિયાણા, જામનગર જિલ્લામાં વધુ સંભાવના : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૩૧ : સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ. ૧ ઈંચથી માંડી ૮ ઈંચ સુધી ખાબકી ગયો. બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ હવે રાજસ્થાન અને પાકિસ્તાન તરફ ગતિ કરી રહી છે. આજનો દિવસ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં અસર જોવા મળશે. હળવાથી મધ્યમ વરસી જાય તેમ હવામાન ખાતાએ જણાવ્યુ છે.

પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં સર્જાયેલ હવાના હળવા દબાણની અસરથી ગઈકાલે જોરદાર વરસાદ વરસી  ગયો. હવે આ સિસ્ટમ્સ રાજસ્થાન અને પાકિસ્તાન તરફ મૂવ કરી રહી છે. પરંતુ આ સિસ્ટમ્સની અસર આજનો દિવસ જોવા મળશે. કયાંક - કયાંક હળવાથી મધ્યમ વરસાદ પડી જાય. જેમાં રાજકોટ, કચ્છ, મોરબી, માળીયા મિયાણા અને જામનગર જિલ્લામાં વરસાદની વધુ શકયતા રહેલી છે.

આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ બની જશે. તડકો નીકળશે તેવી શકયતા છે. જો કે આગામી દિવસોમાં પણ કોઈ - કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે.

(11:51 am IST)