Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પૂ.રમેશભાઈ ઓઝા (ભાઈજી)નો પ્રાગટયદિન

પૂ.ભાઈજી કહે છે ભાગવતનું શ્રવણ કરવુંએ જીવનની ધન્યતા છે તો રામાયણ સાંભળવુંએ જીવનની અનન્યતા છે

(નિતીન વસાણી),નવાગઢઃ ભાગવત અને રામાયણ જેના પ્રાણ છે એવા પૂ.ભાઈજીનો આજે પ્રાગટય દિવસ છે. પૂ.ભાઈજીની સુવાસ દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રચારક અને પ્રસારક તરીકે ફેલાયેલી છે. અભ્યાસ પરાયણ, ચિંતનશીલ અને તપસ્વી જીવન જીવતા પૂ.ભાઈજી જીવન વાટીકામાં ખીલેલા યૌવનના ગુલાબ જેવુ વ્યકિતત્વ ધરાવે છે, તેઓ ભાગવત કે રામાયણના ફકત પ્રવકતા જ નથી. પરંતુ આ દેશની સંત પરંપરાના સાચા પ્રતિનીધી છે. ભાવનગર જિલ્લાનાં રાજુલા તાલુકાના દેવકા ગામે ૧૯૫૭ની ૩૧ ઓગસ્ટના જન્મેલા, પૂ.ભાઈજી બચપન દેવકા કુંભારીયા અને સીમર જેવા ગામોમાં પસાર થયુ,જયારે ધર્મ તથા સંસ્કૃતિ વિશેનો અનુભવ રાજુલા પંથક આવેલા પૂ.શ્રી પાંડુરંગદાદા પ્રસ્થાપીત સંસ્કૃત પાઠસાલામાં કેળવાયો, રામાયણ અને ભાગવત જેવા મહામુલા ગ્રંથો પર પૂ.ભાઈજી એક સરખુ પ્રભુત્વ ધરાવે છે, અને તેઓ કાયમ કહે છે કે ભાગવત મારા શ્વાસમાં છે તેથી મારો વિષય છે અને રામાયણ મારા પ્રાણમાં છે તેથી તેના પર મને દિવ્ય પ્રેમ છે. પૂ.ભાઈજીના મુખે ભાગવતનું શ્રવણ કરવુએ જીવનની ધન્યતા છે તો રામાયણ સાંભળવુએ જીવનની  અનન્યતા છે. પૂ.ભાઈજીએ ગુજરાતના સિમાડાઓ ઓળંગી દેશ વિદેશમાં ભાગવતને રામાયણના રસપાનથી અનેક ભાવુકોના જીવનમાં પ્રકાસ પાથર્યો છે અને દેશ- વિદેશની ભૂમિ ઉપર ભારતીય ધર્મનો કિતીસ્થંભ રચી અનેકોને પ્રભુપારાયણ કરતા કરતા પ્રભુ પારાયણ બનાવ્યા છે.

(11:51 am IST)