Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વહેલી સવારથી મેઘાનાં ખમૈયાઃ જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ સાત ઇંચ વિસાવદરમાં: ભેંસાણ, મેંદરડા, માળીયા અને વંથલીમાં છ ઇંચ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૩૧: વ્હેલી સવારથી મેઘરાજાએ ખમૈયા કરતાં રાહત વચ્ચે જૂનાગઢ જિલ્લાનાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬ ઇંચ વરસાદ ખાબકયો હતો. જેમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદથી વિસાવદર વિસ્તાર પાણી પાણી થઇ ગયો હતો.

જૂનાગઢ જિલ્લામાં શનિવારની બપોરથી મેઘ સવારી આવી પહોંચી હતી. રવિવારે રજા રાખ્યા વગર મેઘાએ જોરદાર બેટીંગ કરતાં જન જીવન બાનમાં મુકાય ગયુ હતુ બે દિવસનાં ભારે વરસાદથી કેટલાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી.

જો કે, મધરાતથી મેઘાનું જોર ઘટયું હતું અને વ્હેલી સવારથી એકદંરે ખમૈયા કરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. જિલ્લામાં ભારે વરસાદની કોઇ જાનહાની થઇ નથી પરંતુ પાકને ભારે નુકશાન થયુ છે.

આજે સવારે પુરા થયેલા ૨૪ કલાક દરમ્યાન જિલ્લામાં કુલ ૧૧૬૦ મીમી (૪૬ ઇંચ) વરસાદ થતાં મોસમનો કુલ વરસાદનો આંક ૧૪૪૭૮ મીમી (૫૭૯.૧૨) ઇંચ થયો છે.

જેમાં સૌથી વધુ ૧૭૯ મીમી (સાત ઇંચથી વધુ) વરસાદ વિસાવદર તાલુકામાં થયો છે. અહિં મેઘો કૃપા વરસાવીને થાકી ગયો હોય સવારથી વરસાદને બ્રેક છે.

જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઉપરાંત ગિરનાર તેમજ દાતાર પર્વત ઉપર મેઘાએ ધુંધાધાર બેટીંગ કરી હતી. સોનરખ, દામોદર કુંડ, કાળવા નદીમાં ભારે પુર આવેલ. વિલીંગ્ડનતેમજ નરસિંહ તળાવ ફરી છલકાય ગયુ હતુ. જુનાગઢમાં સવાર સુધીમાં ૧૦૧ મીમી (૪ ઇંચ) વરસાદ થતા સીઝનનો વરસાદ પંચાવન ઇંચ થયો છે.

જૂનાગઢમાં સવારથી મેઘાએ આરામ રાખતાં સૂર્યનારાયણનાં પણ દર્શન થયા હતાં.

કેશોદમાં ૨૪ કલાકમાં ૧૦૨ મીમી (૪ ઇંચ) વરસાદથી લોકો પરેશાન થઇ ગયા હતા અહીં મોસમનો કુલ વરસાદ ૧૪૩૦ (૫૭.૩૬ ઇંચ) થયેલ છે.

જયારે ભેંસાણ, મેંદરડા, માળીયા અને વંથલીમાં છ-છ ઇંચ વરસાદ થતા નદી-નાળામાં ઘોડાપુર આવ્યા હતાં.

ભેંસાણમાં ૧૪૨ મીમી વરસાદ સાથે સીઝનનો કુલ વરસાદ ૧૩૦૯ મીમી (૫૨ ઇંચ) તથા મેંદરડા ખાતે ૨૦ કલાકમાં ૧૪૨ મીમી પડેલા વરસાદની મોસમની કુલ મળેલ ૧૪૧૨ મીમી (૫૬.૪૮) ઇંચ થઇ છે.

માળીયા હાટીનામાં ૧૨૪ મીમી વરસાદ સાથે કુલ વર્ષા ૧૫૬૯ મીમી (૬૨.૭૬) ઇંચ અને વંથલી ખાતે ૨૪ કલાકનાં ૧૪૦ મીમી વરસાદ સાથે મોસમની કુલ મેઘકૃપા ૧૪૮૮ મીમી (૫૯.૫૨ ઇંચ) થયેલ છે.

માંગરોળમાં સવાર સુધીમાં ૩૭ મીમી (૧ાા ઇંચ વરસાદ સાથે કુલ વર્ષા ૧૧૪૨ મીમી (૪૬ ઇંચ) તેમજ માણાવદર ખાતે ૨૦ કલાક દરમ્યાન ૯૨ મીમી (૪ ઇંચ) વરસાદ થતા કુલ વરસાદ ૧૪૮૦ મીમી (૫૯.૨) ઇંચ થયો છે.

આમ જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાક દરમ્યાન ૪૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે સવારના પ્રારંભિક ૬થી ૮નાં બે કલાકમાં ભેંસાણમાં માત્ર બે મીમી અને વંથલીમાં સાત મીમી વરસાદ થયો હતો. જિલ્લાનાં અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદનાં વાવડ નથી.

(1:10 pm IST)