Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પોરબંદરની વિખ્યાત હરિરાયજી મહારાજની હવેલીમાં કોરોનાના પગલા : બે સેવકોના મોત

હવેલીમાં સેવા કરતા તમામ સેવકોને કોરોના : વૈષ્ણવોમાં ભારે ચિંતાનું મોજું : બાવાશ્રીના વહુજી અને હવેલીના વધુ ૫ સેવકોને પણ કોરોના, હોસ્પિટલમાં સારવાર હેઠળ : પૂ.હરિરાયજી ઠાકોરજીને લઈ ગામડે પધારી ગયા

રાજકોટ, તા. ૩૧ : રાજયભરમાં કોરોનાનું બિહામણું સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. દરરોજ સેંકડોની સંખ્યામાં કેસો થઈ રહ્યા છે. દરમિયાન પોરબંદરની એક વિખ્યાત હવેલીમાં કોરોનાના પગલા પડ્યા છે. હવેલીના બાવાશ્રીના વહુજી સહિત તમામ ૭ સેવકોને કોરોના વળગ્યો છે. જેમાંથી બે સેવકોના સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયાનું જાણવા મળે છે. જયારે વહુજી પણ સંક્રમિત થયા છે અને અન્ય પાંચ સેવકો હજુ સારવાર લઈ રહ્યાનું જાણવા મળે છે.

આ અંગેની મળતી વિગતો મુજબ પોરબંદરમાં એમ.જી. રોડ ઉપર આવેલી વિખ્યાત પૂજયપાદ ગોસ્વામી પૂ.હરિરાયજી મહારાજની હવેલીમાં એક પછી એક એમ ૭ સેવકોને કોરોના વળગ્યો હતો. હવેલીના તમામ સેવકોને રાજકોટની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. આ સારવાર દરમિયાન બે સેવકોનું દુઃખદ અવસાન થયાનું બહાર આવ્યુ છે.

જયારે પાંચ સેવકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરમિયાન પૂ.હરિરાયજી મહારાજના વહુજીને પણ કોરોનાની અસર જોવા મળતા તેઓને પણ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળે છે.

પૂ.હરિરાયજી મહારાજની તબિયત એકદમ સારી છે અને પૂ.બાવાશ્રી ઠાકોરજીને લઈને ગામડે પધારી ગયાનું જાણવા મળે છે.

(3:11 pm IST)