Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપર ૪ કરોડનું લાલાચંદન ઝડપાયુ

દાણચોરી દ્વારા દિલ્હીથી ચીનના હોંગકોંગ મોકલાતુ ૧૨ ટન લાલચંદન સીઝ : કાનપુરના વેપારીની જેમ ડીઆરઆઈ - ઈડી ત્રાટકે તો મોટું રેકેટ ખૂલે : બિલ્ડિંગ મટીરીયલના નામે દાણચોરીથી રેલવે દ્વારા મુન્દ્રા થઈને ચીન મોકલાતું હતું : પોર્ટ ઉપર કસ્ટમના સ્કેનરની તપાસ અને ડ્યુટી ઓફિસરો સામે સવાલો : દેશમાં લાલ ચંદન ઉપર પ્રતિબંધ હોવા છતાં દક્ષિણ ભારતથી ઉત્ત્।ર ભારત થઈ છેક પશ્ચિમ ભારતના બંદરે પહોંચ્યું કેવી રીતે? કેટલા કન્ટેનરો નિકાસ થઈ ગયા?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૦ : ૨૧ હજાર કરોડના ડ્રગ્સની દાણચોરી બાદ ચર્ચામાં રહેલ મુન્દ્રા પોર્ટ ઉપર ફરી ૧૨ ટન લાલ ચંદનની દાણચોરી ઝડપાતાં ચકચાર મચી ગઇ છે.

ડીઆરઆઈએ પૂર્વ બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ ઉપર ખાનગી કન્ટેનર સ્ટેશન અલ કાર્ગો ઉપર આ જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળે છે. અહીંની બજારમાં ૪ કરોડનું અને આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૨ કરોડ રૂપિયાનું મનાતું આ લાલચંદન દિલ્હીની નિકાસકાર પાર્ટી ભોલી એકસપોર્ટે બિલ્ડિંગ મટીરીયલના નામે કન્ટેનર રેલવે દ્વારા મુન્દ્રા પોર્ટ ઉપર હોંગકોંગ (ચીન) નિકાસ માટે મોકલ્યું હતું.

જોકે, દાણચોર તત્વો દ્વારા આવા કેટલા કન્ટેનરો નિકાસ કરાયા એ તપાસ પણ જરૂરી છે. મુન્દ્રા પોર્ટ ઉપર ખાનગી કન્ટેનર સ્ટેશન દ્વારા માલની હેરાફેરી કરાય છે. પરંતુ, મુન્દ્રા પોર્ટ ઉપર આયાત નિકાસના જથ્થાની કસ્ટમના સ્કેનર દ્વારા કરાતી તપાસ અને ડ્યુટી ઓફિસરો સામે સવાલો થઈ રહ્યા છે? દેશના બંદરો ઉપર દેશદ્રોહી તત્વો ઉપર લગામ તાણવા માટે દેશદાઝ ધરવતા અધિકારીઓ હોવા જોઈએ તેને બદલે ભ્રષ્ટાચારની બોલબાલા છે.

દેશમાં લાલચંદન ઉપર પ્રતિબંધ છે, દક્ષિણ ભારતમાં જ લાલચંદન થાય છે, પણ દાણચોર લોબી ખુલ્લે આમ દક્ષિણથી ઉત્તરભારતમાં દિલ્હી સુધી લાવી તેને પશ્ચિમ ભારતના ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપરથી નિકાસ કરે ત્યાં સુધી કોઈ પણ સરકારી એજન્સી દ્વારા તપાસ ન થાય એ આઘાતજનક ઘટના છે. આ કેસમાં પણ જો કાનપુરના વેપારીની જેમ જ ડીઆરઆઈ અને ઇડી દ્વારા તપાસ થાય તો મોટી હેરાફેરી કરનાર દેશદ્રોહી તત્વોનો નકાબ ચિરાઈ જાય.

(9:42 am IST)