Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઝાકળ ઓસરી ગઈઃ વાદળા પણ ગાયબઃ ઠારમાં ઠુંઠવાતા લોકો

નલીયા ૮.૩, ગિરનાર ૧૦.૮, રાજકોટ ૧૨.૯ ડિગ્રી લઘુતમ તાપમાનઃ ધીમે-ધીમે જામતો શિયાળો

રાજકોટ, તા. ૩૦:. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઘણા દિવસો બાદ ઝાકળ ઓસરી ગઈ છે જ્યારે વાદળા પણ ગાયબ થઈ ગયા છે.
ઠારમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. પવનનું જોર વધતા ઠંડકમાં પણ વધારો થતા શિયાળો જામતો જાય છે.
આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્છના નલીયામાં ૮.૩ ડિગ્રી, ગિરનાર પર્વત ૧૦.૮, રાજકોટમાં ૧૨.૯ ડિગ્રી નોંધાયુ છે.
જૂનાગઢ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢના વાતાવરણમાં પલ્ટો આવતા આજે બીજા દિવસે પવન યથાવત રહ્યો હતો અને ગુલાબી ઠંડી પણ રહી હતી.
જૂનાગઢ શહેર ગત મધરાત્રે તોફાની પવન શરૂ થયો હતો અને રાતભર પવન ફુંકાયા બાદ આજે સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૬ કિ.મી.ની રહી હતી.
જ્યારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૫.૮ ડિગ્રી જ રહેતા ગુલાબી ઠંડી અનુભવાઈ હતી.
ગિરનાર પર્વત ખાતે આજની ઠંડી ૧૦.૮ ડિગ્રી રહી હતી. વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૬૬ ટકા રહ્યુ હતું.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ ખંભાળીયા પંથકમાં છેલ્લા બે દિવસથી આવેલા વાતાવરણના પલટામાં ગત રાત્રીથી ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર વધ્યુ છે. ખાસ કરીને આજે સવારે મોસમની સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો.
આજે વહેલી સવારે તાપમાનનો પારો ગગડીને સિંગલ ડીઝીટ સુધી પહોંચી ગયો હતો. જેના કારણે કાતિલ ઠંડી અનુભવાઈ હતી. મોસમની પ્રથમ વખત નોંધપાત્ર ઠંડી આજે સવારે હોવાનો અનુભવ લોકોએ કર્યો છે.
ગાત્રો થીજવતી આ ઠંડીના કારણે ખાસ કરીને બાળકો તથા વૃદ્ઘો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઠંડીનું પ્રમાણ વધતા સવારે બજારો મોડી ખુલી હતી અને ગરમ વસ્ત્રોના વિક્રેતાઠઓને ત્યાં ઘરાકી જોવા મળી હતી.
વધી રહેલી આ ઠંડીમાં અબોલ પશુ-પક્ષીઓ પણ દયનીય હાલતમાં મુકાઈ ગયા છે.

 

(11:30 am IST)