Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મુન્દ્રા બંદરે લાલ ચંદનની દાણચોરીમાં સંડોવાયેલ પેઢીઓ બોગસઃ કસ્ટમની નજર સામે કરોડોનું પ્રતિબંધિત ચંદન દેશ બહાર નીકળી ગયું?

કારખાનેદારો અને વેપારીઓ ઉપર ઈ વે બીલ, જીએસટીના ટેકસની ભરમાર, વ્હાઈટ કોલર દાણચોરો ખુલ્લેઆમ બોગસ પેઢીઓના નામે રોડ તેમ જ દરિયાઈ વ્યાપારમાં સક્રીય, એજન્સીઓએ સંયુકત તપાસ કરવી જોઈએ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૩૧:  મુન્દ્રા બંદરેથી ચીનના હોંગકોંગ જઈ રહેલ લાલ ચંદનની દાણચોરીના કિસ્સાએ ચકચાર સર્જી છે. ભારતીય બજાર પ્રમાણે ૪ કરોડ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૨ કરોડની કિંમતના ૧૨ ટન લાલચંદન ઝડપાયા બાદ બહાર આવતી વિગતો પ્રમાણે નિકાસકાર પેઢી અને શીપીંગ અંગેના રજૂ કરાયેલ દસ્તાવેજો બોગસ છે.

ડીઆરઆઈએ આ કિસ્સામાં તપાસ હાથ ધર્યા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી ઉપરાંત મુંબઈ તેમ જ વિદેશમાં આ દાણચોરીના તાર જોડાયેલા છે. જોકે, હેરોઈન હોય કે લાલ ચંદન હોય વ્હાઈટ કોલર દાણચોરો કરોડોની હેરાફેરી કરી રહ્યા છે. નાના મોટા કારખાનેદારો અને સામાન્ય વ્યાપારીઓ જીએસટી અને ઈ વે બીલ સહિતના સરકારી કાયદાઓથી પરેશાન છે. પણ, દાણચોરો મોટા જથ્થામાં અને કરોડો રૂ. સાથે બોગસ પેઢીઓના નામે કાયદાના ડર વગર વહીવટ કરે છે.

મુન્દ્રા પોર્ટ ઉપર આથી અગાઉ મોટા જથ્થામાં લાલ ચંદન વિદેશ પગ કરી ગયું હોવાની હકીકત બહાર આવી રહી છે. ત્યારે સવાલ કસ્ટમ ની નિયત સામે પણ છે. સ્કેનર અને સરકારી તંત્રની નજર હોવા છતાંયે કઈ રીતે લાલ ચંદન બહાર પગ કરી ગયું? એ શીપીંગ એજન્ટો કોણ છે? બેંક એકાઉન્ટ કોના નામે છે? લેટર ઓફ ક્રેડિટની હકીકત શું છે? એ બોગસ પેઢીઓના માલિક અને સૂત્રધાર કોણ છે? સરકારે આવા કિસ્સાઓમાં અન્ય એજન્સીઓ સાથે સયુંકત તપાસ હાથ ધરવી જોઈએ. (૨૨.૧૪)

(10:37 am IST)