Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ટીસીએસઆરડીએ ઓખા મંડળના પ૦૭ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિષ્યાવૃતિ અર્પણ

‘શિક્ષા મૈત્રી’ કાર્યક્રમ મારફતે વિદ્યાર્થીઓ વચ્ચે ઉંચ્ચ શિક્ષણમાં ડ્રોપ આઉંટ રેટ ઘટાડવા અને પ્રોત્સાહન આપવા શિષ્યાવૃત્તિઓ એનાયત કરી

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ૩૦: ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી) એ આજે શિક્ષા મૈત્રી કાર્યક્રમ અંતર્ગત મીઠાપુરમાં એક શિષ્યાવૃતિ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું અને ઓખા મંડળમાંથી પ૦૭ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રૂા. ૧ર લાખની શિષ્યાવૃતિ આપી હતી. આ કાર્યક્રમ કોવિડ-૧૯ આચારસંહિતાને અનુરૂપ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉંપસ્થિત જિલ્લા કાર્યક્રમ શિક્ષણ અધિકારી (દેવભૂમિ દ્વારકા) શ્રી ભાવસિંહ વાઢેરની હાજરીમાં ટાટા કેમિકલ્સનાં વાઇસ પ્રેસીડન્ટ (ઉંત્પાદન) અને ફેકટરી મેનેજરશ્રી એન. કામથે શિષ્યાવૃતિનું વિતરણ કર્યુ હતું.
ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસીડન્ટ ઉંત્પાદન અને ફેકટરી મેનેજર એન. કામથે કહ્યું હતું કે, ‘અમે ઝીરો ડ્રોપ આઉંટ હાંસલ કરવાનો એક કેન્દ્રિત લક્ષ્યાંક ધરાવીએ છીએ. આ માટે અમે માળખાગત સુવિધાના અભાવ જેવી મુળભુત શિક્ષણ માટેની વિવિધ પહેલો અને સમાધાન હાથ ધરવામાં આવ્યા છે. અમે ગયા વર્ષે શૈક્ષણીક ગેપ દુર કરવા અને ડિજીટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા અમારા વર્લ્ડ ઓન વ્હીલ્સ જેવી તાતી જરૂરીયાત પુરી કરતાં કાર્યક્રમો માટેની પહેલોનો અમલ કરવાની અને જરૂરીયાત - આધારીત શૈક્ષણીક કાર્યક્રમોનો અમલ કરીને પરંપરાગત શૈક્ષણીક પધ્ધતીઓનો દ્વિપાંખીયો અભિગમ પણ અપનાવ્યો છે. આ કાર્યક્રમોની સફળતા વિદ્યાર્થીઓને તેમનું શિક્ષણ પૂર્ણ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા અમારા પ્રયાસમાં પ્રેરકબળ તરીકે કામ કરે છે.
આ શિષ્યાવૃતિ કાર્યક્રમ માટે ટેકનિકલ, વ્યવસાયિક અને તબીબી અભ્યાસક્રમોમાં ઉંચ્ચ શિક્ષણ હાથ ધરવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને મળશે. ઉંપરાંત ધોરણ ૯ અને એનાથી વધારે ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટીસીએસઆરડીના અફેર્મેટીવ એકશન પ્લાનથી પણ ફાયદો થયો છે. ગ્રેજયુએશન અભ્યાસક્રમમાં સામેલ કન્યાઓ માટે વિશેષ શિષ્યાવૃતિ પણ આ વર્ષે એનાયત કરવામાં આવી હતી. વળી કોવિડ-૧૯ માં પોતાના માતા-પિતા ગુમાવનાર કે મહામારીમાં પોતાની આજીવિકા ગુમાવનાર માતાપિતાઓના વિદ્યાર્થીઓને અન્ય વિશેષ શિષ્યાવૃતિઓ એનાયત કરવામાં આવી હતી. તેમને ૧૭ સ્વયંસેવકો દ્વારા મદદ કરવામાં આવી હતી, જેમણે વર્ષ માટે વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી ચુકવી હતી.
ટીસીએસઆરડી માને છે કે, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય વિકાસ પરિવર્તનનું હાર્દ છે. વળી શિક્ષણ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ પણ છે. જે આ વિકાસમાં મદદરૂપ છે તથા ટીસીએસઆરડી અત્યારે ૪૦ વર્ષથી સમયથી શિષ્યાવૃતિ કાર્યક્રમો હાથ ધરે છે. અગાઉં આ શિષ્યાવૃતિઓ અગરીયાઓના લાયકાત ધરાવતા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પુરતી મર્યાદિત છે. જો કે તાજેતરમાં શિક્ષા મંત્રી, અંતર્ગત ચાર પ્રોજેકટ -કબડ્ડી ૪ સ્ટડી, હાયર એજયુકેશન, અફેર્મેટિવ એકશન અને દેશ કો અર્પણ કાર્યક્રમો ઓખા મંડળમાં અને એની આસપાસના ૪૩ ગામડાઓમાંનાં વિવિધ વંચિત જૂથોના વિદ્યાર્થીઓ માટે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.   

 

(10:43 am IST)