Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં સુશાસન સપ્તાહમાં સહાય વિતરણ

સુરેન્દ્રનગર,તા.૩૧ : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં સુશાસન સપ્તાહના પાંચમા દિવસ તા.૨૯ મી ડિસેમ્બરના રોજ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે ધારાસભ્ય ધનજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સરકાર એ ગરીબો અને નાના માણસોની સરકાર છે. સરકારના સુશાસન થકી આજે છેવાડાના માનવીને પણ સરકારની તમામ યોજનાઓના લાભ થકી સુશાસનના મીઠા ફળ મળી રહ્યા છે. જેથી રાજ્યનો કોઈપણ માણસ વંચિત, શોષિત અને પછાત ન રહે તે દિશામાં ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે.

 આ પ્રસંગે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, શોષિત પરિવારો મુખ્ય હરોળમાં આવે અને તેમનું ઉત્થાન થાય, તે સરકારની પ્રાથમિકતા છે. તેથી જ રાજ્યની તમામ નગરપાલિકાઓ પૈકીની સુરેન્દ્રનગર -થમ નગરપાલિકા છે, જેણે ૧૮૦ સફાઇ કામદારોને કાયમી કરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, ડૉ. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ બસ પાસ અને પાલક માતા-પિતા યોજનાના લાભાર્થીઓને સહાય મંજૂરી પત્રો વિતરણ કરાયા હતા.

 આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ સરકાર દ્વારા અમલીકૃત વિવિધ લોકઉપયોગી યોજનાઓની માહિતી આપતી ફિલ્મો નિહાળી હતી. આ ઉપરાંત વિદેશ અભ્યાસ લોન, આવાસ યોજના અને પાલક માતા-પિતા જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ યોજના થકી થયેલા લાભ વિશેના તેમના અનુભવ લોકો સમક્ષ રજૂ કર્યા હતા.

આ તકે અધિક નિવાસી કલેકટરશ્રી એન. ડી. ઝાલા, જિલ્લા પંચાયતના ઉપ-મુખશ્રી અમથુભાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારી ઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(10:55 am IST)