Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ચુડાના ખાંડીયા ગામે યુવાનની હત્યા

પ્લાસ્ટિકની કોથળીથી મોઢું ઢાંકેલ લાશ ઘરમાંથી મળી આવી : ચકચાર

વઢવાણ,તા. ૩૧: ચુડા તાલુકાના ખાંડીયા ગામના દશરથ જીવાભાઈ મેળજીયા મંગળવારે રાત્રે ઘરે સુવા ગયો હતો. બુધવારે સવારે દશરથ નહીં જગતા તેનો કૌટુંબિક ભાઈ રામદેવ મેળજીયા મકાનની દિવાલ ઠેકીને અંદર પ્રવેશ્યો હતો. દશરથ જે રૂમમાં સુતો હતો ત્યાં જઈને જોયું તો દશરથનું મોઢું કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકેલું હતું. તેના શરીરમાં હલનચલન નહીં જોતાં પરિવારે ચુડા પોલીસને જાણ કરી હતી. ચુડા પોલીસે તપાસ કરતાં દશરથ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે દશરથની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યકત કરતાં એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી.

દશરથના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચુડા હોસ્પિટલે ખસેડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. દશરથે આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી સહિતના અનેક સવાલો ઊભા થયા હતા. જો કે શકના આધારે પોલીસે ૨ શખ્સોની અટકાયત કરી હોવાનું સુત્રો પાસેથી વિગત મળી રહી છે. ચુડા પીએસઆઈ ડી.જી.પરમારે જણાવ્યું હતું કે દશરથનો પીએમ રિપોર્ટ આવી ગયો છે. પીએમ રિપોર્ટ ઉપરથી જાણી શકાયું છે કે દશરથે આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. ૧થી વધુ ઈસમોએ મળીને હત્યાને અંજામ આપ્યો હતો.

દિવ્યાંગ અને શારીરિક અશકત દશરથના બન્ને હાથ પકડી મોઢાનાં ભાગે પ્લાસ્ટિકની ૨ કોથળી પહેરાવી ગળાના ભાગે કપડાની પટ્ટીઓથી ગળુ દબાવી ગુંગળાવીને તેની હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક તારણ આવી રહ્યું છે. દશરથના જમણા હાથની ૨ આંગળીઓમાં લોહીના ડાદ્યા જોવા મળ્યા છે. અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

રાજસ્થાની મજૂર દેરાસર પરથી પડ્યો

શિયાણી ગામે નિર્માણાધિન દેરાસર પરથી કામ કરતાં એક મજૂર પડી ગયો હતો. જેને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.

ઘણા સમયથી જૈન દેરાસરનુ નવ નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે કામ કરતા રાજસ્થાનના ચિરાઈના મજૂર રાવતરામ રૂપાજી દેરાસરનુ કામ કરતા પગ લપસી જતાં દેરાસર પરથી નીચે પટકાયા હતા. પાઈલોટ અરવિંદ ચૌહાણ અને ઈએમટી શકિત ધોળકિયા દ્વારા એમને લોહિલુહાણ હાલતમાં લીંબડી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે રાવતરામને માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.

(11:39 am IST)