Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પાટણવાવમાં મંત્રેલુ પાણી અને દોરા ધાગાનું કામ કરતા મુંજાવર અબુબાપુની ધતિંગલીલાનો પર્દાફાશ

વિજ્ઞાન જાથા દ્વારા ૧૧૯૮ મું સફળ ઓપરેશન : ખોટુ કર્યાની કબુલાત કરી માફી માંગી

રાજકોટ તા. ૩૧ : ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે છેલ્લા ૧૨ વર્ષથી મંત્રેલુ પાણી આપી દોરા ધાગા કરી સંતાન પ્રાપ્તિ અને અસાધ્ય રોગો મટાડવાનું કામ કરતા મુંજાવર હિંગોરા મહંમદહુશેન હાસમભાઇ ઉર્ફે અબુબાપુની ધતીંગ લીલા ખુલ્લી પડી ગઇ છે.

ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવ્યા મુજબ મળેલ ફરીયાદના આધારે વિજ્ઞાન જાથાની ટીમે પાટણવાવ પોલીસને સાથે રાખી સાચી હકીકત સામે લાવવા ૧૧૯૮ મું ઓપરેશન હાથ ધર્યુ હતુ.

કહેવાતા મુંજાવર અબુબાપુ બિમાર લોકોને દરગાહનું પાણી ઉપચાર માટે આપતા હતા. અમુક ગુરૂવાર ભરવા ટેક રાખવા સાથે કાળો દોરો દરગાહની જગ્યાએ બાંધી આપવા મોકલતા. દુઃખી લોકોની મજબુરી સમજાયા બાદ શીફતપૂર્વક રકમ દાનપેટીમાં મુકાવતા હતા. હીસાબ કોઇને આપતા ન હતા. મુંજાવર મસ્જિદનો વહીવટ પોતાની રીતે કરતા. લોકોની શ્રધ્ધાનો ભરપુર ફાયદો ઉઠાવતા હતા.

પુરાવાઓ એકત્ર કર્યા બાદ જાથાની ટીમે પોલીસને સાથે રાખી મુંજાવરને રંગે હાથ પકડતા તેમના હોશકોશ ઉડી ગયા હતા. જાથાએ મેડીકલ લાયસન્સ માંગ્યુ હતુ. કયા આધારે ઉપચાર કરો છો? તેવા સવાલોની ઝડી વર્ષાવી હતી. તુરંત જ મુંજાવર ઘુંટણી પડી ગયા અને એક વાર માફી આપી દેવા વિનંતી કરવા લાગ્યા હતા. હવેથી આ ખોટુ કામ બંધ કરી દેવાની કબુલાત કરતા મામલો અહીં પૂર્ણ જાહેર કરી દેવાયો હતો.

આ પર્દાફાશમાં પાટણવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વાય. બી. રાણા, હેડ કોન્સ. વિશાલભાઇ પાંચાભાઇ, પો.કોન્સ. શિવરાજસિંહ ઇન્દ્રસિંહ, રવિભાઇ કિશોરભાઇ, સોનલબેન હાજાભાઇ, હેડ કોન્સ. અનિલભાઇ પમાભાઇ પો. કોન્સ. વિરજીભાઇ કેશાભાઇ, દિનેશભાઇ હીરાભાઇ, દિવ્યાબા રાવુભા, તેમજ વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, વિમલ જોશી, ભકિત રાજગોર, ભાનુબેન ગોહીલ, અરૂણાબેન પરમાર, મિથુન સહાની, પ્રફુલ્લાબેન, નાજાભાઇ ભરવાડ, જાદુગર બિરવા અને સ્થાનિક લોકો સાથે જોડાયા હતા. તેમ ભારત જન વિજ્ઞાન જાથા કાર્યાલય (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(12:45 pm IST)