Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઉત્સવો યોજીને ભાજપ સરકાર કોરોના કેસ વધારવાનુ કામ કરી રહી છેઃ અર્જૂનભાઇ

પોરબંદર તા. ૩૧: ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના કેસમાં ૪૮૦ ટકાનો વધારો થયો છે. ત્યારે તેને અટકાવવાની જગ્યાએ રાજયની ભાજપ સરકાર ઉત્સવો યોજી કોરોનાના કેસ વધારવાનું કામ કરી રહી છે. તેમજ રાત્રે કફર્યું અને દિવસે સરકારી મેળાવડા આવી સરકારની બેધારી નીતી ગુજરાત માટે ઘાતક સાબિત થઇ શકે છે તેમ કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવાડીયાએ વધુમાં જણાવેલ કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને ગુજરાતમાં કોરોનાના પ્રથમ વેવને આમંત્રણ આપ્યું હતું. એ જ રીતે વાયબ્રન્ટ સમિટ કોરોનાના ત્રીજા વેવને વિકરાળ બનાવવાનું કામ કરી શકે છે. દેશની ૧૮વર્ષથી ઉપરની ૯૪ કરોડ જનતામાંથી હજી ર, કરોડથી વધુ લોકોને કોરોનાનો બીજો ડોઝ અને ૧૦ કરોડ લોકોને વેકસીનનો એકપણ ડોઝ અપાયો નથી.

અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ઉત્સવો ઓનલાઇન કે આગામી વર્ષે પણ યોજી શકાય. અત્યારે સૌથી પહેલા રાજયના લોકોની સલામતી સરકારની પ્રાથમીકતા હોવી જોઇએ પરંતુ ભાજપ સરકારે જે રીતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજીને ગુજરાતમાં કોરોનાના પ્રથમ વેવને આમંત્રણ આપ્યું હતું એ જ રીતે વાયબ્રાન્ટ સમીટ યોજીને કોરોનાના ત્રીજા વેવને વિકરાળ બનાવવાનું કામ કી રહી છે. સરકારના નેતાઓ મંત્રીઓ અને ખાસ કરીને તેમના પ્રદેશ પ્રમુખ જાણે કાયદા તેમને લાગુ જ ના પડતો હોય તેમ વર્તીને કોરોનાના સુપર સ્પેડર બની ફરી રહ્યા છે.

અર્જૂનભાઇ મોઢવાડીયાએ રાજયની સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે આ ઉત્સવોના તાયફાઓ બંધ કરો પ્રસિધ્ધીની ભુખમાં ગુજરાતની જનતાને હોમશો નહીં. રાજય સરકાર અને ભારતીય જનતા પાર્ટી જાતે સુપર સ્પેડરની ભુમિકા ભજવી રહ્યા છે. તેમાંથી બહાર આવો અને આપણી ભાવી પેઢી અને ગુજરાતની જનતાને બચાવવાની જવાબદારી નિભાવો નહીં તો આ જનતા તમને કયારેય માફ નહી કરે

(12:47 pm IST)