Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પડધરીના ન્યારામાં મંદિરમાં ચોરીઃ તસ્કરો શીવલીંગનું થાળુ કાપી ચાંદી ચોરી ગયા

કારડીયા રાજપૂત સમાજના સૂરાપુરા અને કાળીધાર મહાદેવ મંદિરમાં ચોરના પગલાઃ સીસીટીવી કેમેરો ઉંધી કરી દીધોઃ સવારે પૂજારી જાગ્યા ત્યારે ખબર પડીઃ દેવાભાઇ ડોડીયાએ પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૩૧: પડધરીના ન્યારા ગામે આવેલા કારડીયા રાજપૂત સમાજના સૂરાપુરાશ્રી રાજભા ડાડા અને કાળીધાર મહાદેવ મંદિરની જગ્યામાં મોડી રાતે ચોર પગલા પાડી શીવલીંગનું થાળુ કાપી ચાંદી ચોરી જતાં સેવકોમાં રોષ ફેલાયો છે. બનાવ અંગે પડધરી પોલીસને જાણ કરવામાં આવી હતી.

ન્યારા ગામે રહેતાં કારડીયા રાજપૂતશ્રી દેવાભાઇ જીણાભાઇ ડોડીયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે સવારે આ મંદિરની જગ્યાના પૂજારી મોહન મહારાજ મંદિરના દ્વાર ખોલવા માટે જાગ્યા ત્યારે ચોરી થયાની ખબર પડતાં તેમણે મને જાણ કરી હતી. મેં મંદિરે પહોંચી તપાસ કરતાં તસ્કરો શીવલીંગ કે જે સાડા દસ કિલો ચાંદીથી બનાવાયું છે તેને કાપીને, ખોતરીને તેમાંથી પાંચેક કિલો ચાંદી ચોરી ગયા છે.

તસ્કરોએ રાતના સમયે ચોરી કરી હતી. સીસીટીવી કેમેરો ઉંધો કરી નાંખ્યો હતો અને ડીવીઆર પણ લઇ ગયા છે. આ અંગે અમે પડધરી પોલીસને જાણ કરી છે. અગાઉ પણ આ જગ્યામાં આવો બનાવ બન્યો હતો. તસ્વીરમાં શીવલીંગ જોઇ શકાય છે, જેના થાળાને કાપીને ચાંદી ચોરી જવાયું છે.

(1:19 pm IST)