Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જીએસટીના દર વધારાના વિરોધમા સાવરકુંડલા ગારમેન્ટસ એસોસીએશન દ્વારા સજ્જડ બંધ

સાવરકુંડલાઃ   જીએસટીના દર ૧૨ ટકા વધારાવાના વિરોધમાં સાવરકુંડલા ગારમેન્ટસ એસોસીએશને ગુરૂવારના રોજ ગારમેન્ટની તમામ દુકાનો બંધ પાળી જીએસટીનો વિરોધ દર્શાવેલ છે. આ વિરોધમાં સાવરકુંડલા ગારમેન્ટસના તમામ વેપારી સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે. એમ સાવરકુંડલા ગારમેન્ટસ એસોસીએશનના પ્રમુખશ્રી કમલ શેલારની એક અખબારી યાદીમાં જણાવેલ છે.. આમ પણ આજના યુગમાં ગારમેન્ટસ એ જીવન જરૂરિયાતની પાયાની ચીજવસ્તુ તરીકે ગણવામાં આવે છે. ગારમેન્ટસ પર કરનું ભારણ વધતાં ગારમેન્ટસમાં નોંધનીય ભાવવધારો થઈ શકે જે સામાન્ય જનતા માટે અસહ્ય જ કહેવાય અને પરિણામસ્વરૂપે તેની માંગ મર્યાદિત થાય અને તેની સીધી અસર ગારમેન્ટસનાં વેપાર ધંધા પર પડે. આમ એક તો આ વર્ષે જ તોકતે વાવાઝોડાનો માર પડ્યો વળી છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે પણ અર્થતંત્રને મંદીમાં ધકેલ્યું. સતત વધતાં બેરોજગારી અને મોંદ્યવારી સામે જનતા પણ ત્રાહીમામ પોકારી ઊઠી હોય એવાં સમયે વેરા વધારો ઝીંકાવાથી ગારમેન્ટસ ઉદ્યોગને મોટું નુકસાન પણ થઈ શકે છે. માંડમાંડ બેઠું થતું અર્થતંત્ર ફરી પાછું મંદીની માયાજાળમાં જકડાઈ શકે છે. સાવરકુંડલા ગારમેન્ટસ એસોસીએશન આ વેરા વધારોની સખ્તાઈથી વિરોધ કરે છે અને તેનાં અનુસંધાને પોતાના કામધંધા, દુકાન બંધ રાખીને સજ્જડ બંધ પાળીને વિરોધ વ્યકત કરેલ છે.

(12:56 pm IST)