Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મોરબીમાં સિરામિક એસો.ની એકતા સામે કંપની ઝુકી, નોન એમજીઓનો નિર્ણય હાલ પરત લેવાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩૧: મોરબીમાં સ્વબળે વિકસેલ સિરામિક ઉદ્યોગને કયારેક કોલગેસ પ્રદુષણના નામે તો કયારેક ગેસ કંપનીની મનમાનીનો સામનો કરવો પડી રહ્યો છે ગેસ કંપની મનમાની ચલાવી છેલ્લા મહિનાઓમાં કમરતોડ ભાવવધારો ઝીંકી દીધો છે જે ફટકો તો સિરામિક ઉદ્યોગે સહન કરી લીધો હતો જોકે હવે સિરામિક ફેકટરી સાથે કરાતા માસિક કરાર બંધ કરવાનો ગેસ કંપનીએ નિર્ણય લીધો છે જેના વિરોધમાં ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી.

મોરબીના સિરામિક એસોના હોદેદારો તેમજ ઉદ્યોગપતિઓ ગુજરાત ગેસ કંપનીની લાલપર ખાતેની ઓફિસે પહોંચ્યા હતા અને નોન એમજીઓ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે તમામ મેમ્બરોને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે જે હાલની સ્થિતિના ધ્યાને લેતા આવતા મહિનેથી ગેસનો MGO કરી આપવામાં આવશે નહિ જેથી તમામ મેમ્બરોએ આ અંગે પ્રમુખો સાથે ચર્ચા કરી હતી અને આ નિર્ણય ઉદ્યોગના હિતમાં ના હોય જેથી નિર્ણય પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી છે અને આ નિર્ણય જો પરત ના લેવાય તો સિરામિકના તમામ યુનિટો બંધ કરવાની તૈયારી દર્શાવી હોવાનું જણાવ્યું હતું અને ઉદ્યોગ બંધ થાય તેની તમામ જવાબદારી ગુજરાત ગેસ કંપનીની રહેશે તેમ પણ રજૂઆતમાં જણાવ્યું હતું.

જે બાબતે સિરામિક એસો પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસમાં ગેસ કંપનીને ૩૨ રૂપિયામાંથી ૬૨ રૂ સુધી ગેસનો ભાવ પહોંચાડી ૧૦૦ ટકા જેટલો વધારો કર્યો છે એટલું જ નહિ આજે MGO નહિ થઇ સકે તેવો ઈમેલ આવતા ૫૦૦ ઉદ્યોગપતિઓ ગેસ કંપનીની ઓફીસ આવ્યા હતા અને નિર્ણય પરત ના ખેંચાય ત્યાં સુધી અહી જ ધામા નાખવાનું નક્કી કર્યું હતું જેને પગલે મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ગેસ કંપની અધિકારી સાથે વાતચીત કરી હાલ નિર્ણય મોકુફ રખાશે તેમ જણાવ્યું હતું જે નિર્ણયને સિરામિક એસો દ્વારા આવકાર્યો હતો અને હવે જૂની સીસ્ટમથી જ ગેસ સપ્લાય થશે જેથી ઉદ્યોગપતિઓએ રાહતનો શ્વાસ લીધો હતો. (

(12:58 pm IST)