સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st February 2021

જૂનાગઢ પાલિકાનું સ્મશાનગૃહ મરણ પથારીએ

ત્રણ વિદ્યુત સ્મશાન ભઠ્ઠી હોવા છતા જનરેટરના અભાવે બધુ બંધ : ૧ માસમાં કોઇ કાર્યવાહી નહી થાય તો સ્મશાનમાં આંદોલન

જૂનાગઢ તા.૧ : મહાનગરપાલિકાના પુર્વ કોર્પોરેટર અને સક્રિય કાર્યકર મુકેશ ધોળકીયા પોતાના પિતરાઇ બહેનની અંતિમયાત્રાએ વિદ્યુત સ્મશાનની અંદર જતા સોનાપુરના ત્રણ વિદ્યુત સ્મશાનની ભઠ્ઠીઓ બંધ હતી અને ગેસ આધારીત ભઠ્ઠી પણ બંધ હતી. કર્મચારીએ જણાવ્યુ હતુ કે, લાઇટ નથી એટલે ભઠ્ઠી બંધ છે અને બપોરે લાઇટ ૩ વાગ્યે આવશે તમે લાકડામાં તમારા સ્વજનને બાળી શકો છો.

તેમણે જણાવ્યુ હતુ કે, ત્રણ - ત્રણ વિદ્યુત સ્મશાનની ભઠ્ઠી અવારનવાર વિદ્યુત પ્રવાહ બંધ થઇ જાય ત્યારે બંધ થઇ જાય છે માટે અહી હેવી જનરેટરની તાતી જરૂર છે તેવી જરૂરિયાતને તા.૩-૧૧-૨૦૧૭, તા.૨૦-૧૨-૨૦૧૮ અને તા.૧૧-૬-૨૦૧૯ ના લેખીત રીપોર્ટ જે તે સ્મશાનના કાર્યરત કર્મચારી દ્વારા જનરેટરની તાત્કાલીક ખરીદી કરવા માટે રિપોર્ટ કરેલ છે ત્યારપછી ૨૦૨૦ અને આજે ૨૧ ચાલે છે ત્યારે આમ પાંચ વર્ષ થયા હજુ કોર્પોરેશન વિદ્યુત સ્મશાનને લાઇટ જાય ત્યારે પણ જનરેટર દ્વારા ચાલુ રાખવા માટે જનરેટરની ખરીદી કરતી નથી તે અત્યંત દુઃખદ બાબત છે.

ગેસ આધારિત ભઠ્ઠી પણ હાલ બંધ છે ગેસ આધારીત ભઠ્ઠી ચાલુ કરી દેવાના એકસપર્ટ ગણાતા અમરેલીના કોન્ટ્રાકટરને કામનો વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી અને ગેસ આધારીત વિદ્યુત ભઠ્ઠીની અંદર માત્ર સાત હજાર રૂપિયાની ઇલેકટ્રીક મોટરવારૂ જનરેટર દ્વારા પણ ચાલતુ હોય છે તેમ છતા અગત્યના કામમાં રસ નથી લીધો તેવુ સીધે સીધુ દેખાય છે.

સવારે સાત વાગ્યાથી બપોરે ૧૧-૩૦ માં કુલ ૬ થી વધુ મૃતકના પરિવારજનો વિદ્યુતભઠ્ઠીમાં પોતાના સ્વજનની અંતિમ ક્રિયા કરવા માટે રાહ જોઇને બેઠા હતા. કમનસીબે એક કેસ કોરોનાના મૃત્યુનો પણ આવેલ હતો. હવે લાઇટ બાર વાગ્યા સુધી આવી નહતી ત્યારે કોણ જાણે ? કયારે કોરોનાના કારણે મૃત્યુ પામેલ વ્યકિતની અંતિમક્રિયા થશે.

તેમને વધુમાં જણાવ્યુ હતુ કે, એક માસમાં જો વિદ્યુત ભઠ્ઠી સ્મશાન માટે હેવી જનરેટર ખરીદવાની વહીવટી કાર્યવાહી શરૂ કરવામાં નહી આવે તો એક મહિના પછી આ જ સ્મશાનગૃહની અંદર એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ આંદોલન કરાશે.

(11:15 am IST)