સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st February 2021

પોરબંદર કલેકટર, ડીડીઓ અને એસપીએ કોરોનાની રસી લીધી

પોરબંદર, તા.૧: કોરોનાની મહામારીના અંત માટે કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સૌ પ્રથમ પોરબંદરના કલેકટર શ્રી ડી.એન .મોદી ત્યાર બાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી. કે .અડવાણી અને જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ પોતે કોરોના ની રસી મુકાવી હતી.

 જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને રસી આપનાર તાલીમબદ્ધ કોરોના વેકિસનેશન સ્ટાફે કોવિડ ૧૯ રસીકરણ માર્ગદર્શિકા અનુસાર માહિતી આપી બીજા ડોઝનો શેડયુલ આપ્યો હતો. કલેકટર શ્રી ડી. એન .મોદીએ જણાવ્યું હતું કે કોરોનાની રસી અંગેની ખોટી અફવાથી લોકોએ દૂર રહેવું જોઈએ. તેઓએ આજે પોતે તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ અને અન્ય ફ્રન્ટલાઈન કોરોના વોરિયરે રસી મુકાવી છે અને કોઈને તકલીફ પડી નથી તેમ જણાવ્યું હતું. આ તકે કલેકટર સહિતના વરિષ્ઠ અધિકારીઓને પોરબંદર જિલ્લામાં રસીકરણ  અભિયાન અંગે ની તૈયારીઓ અને વધારવામાં આવેલી સુવિધાઓ તેમજ અત્યાર સુધી થયેલી કામગીરી ની વિગત સંબંધિત નોડલ ઓફિસર આપી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે એ જણાવ્યું હતું કે, કોરોના વિરોધી રસીકરણ ના બીજા તબક્કામાં પોરબંદરના  રેવન્યુ ,પોલીસ ,પંચાયત સહિતના ડિપાર્ટમેન્ટના ૭૫૦ ફન્ટલાઇન કોરોના વોરિયર ને રસી આપવામાં આવશે. પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલ માં ત્રણ સેન્ટર પર અને જિલ્લાના વિસ્તારમાં કુતિયાણા રાણાવાવ અને માધુપુર ખાતે એમ ૬ વેકિસન સેન્ટર શરૃ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બાકીના ફન્ટલાઇન કોરોના વોરિયરને પણ રસી આપવામાં આવશે. આ પ્રસંગે અધિક કલેકટર શ્રી રાજેશ તન્ના, સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.પરમાર, ડો.ઠાકર, આરોગ્ય અધિકારી ડો.રાઠોડ, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા,મામલતદાર સાવલિયા, તેમજ પોલીસ, રેવન્યુ, માહિતી, મીડિયાકર્મીઓ અને આરોગ્ય શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સિવિલના ડો.ધર્મેશભાઇએ જરૃરી સંકલન કર્યુ હતું.

(1:03 pm IST)