સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st February 2021

અમરેલી જિલ્લામાં બીજા તબક્કાના વેકસીનેશનનો પ્રારંભ

ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા કલેકટરશ્રી, ડીડીઓશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વેકસીન લઈ બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યોઃ બીજા તબક્કામાં પાલિકા, પોલીસ તથા અન્ય સરકારી કર્મીઓને વેકસીન આપવાનો પ્રારંભ

અમરેલી, તા. ૧ : ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ડોકટર, નર્સીગ-મેડીકલ સ્ટાફને પ્રથમ તબક્કામાં રસીકરણ બાદ બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ એવા અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ તથા અન્ય પોલીસ, પાલિકા, પંચાયતના ઉચ્ચ અધિકારીઓએ કોરોના પ્રતિકારક વેકસીન લઈને બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ વેળાએ જિલ્લા કલેકટરઆયુષ ઓકએ જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં જિલ્લાના તાલુકા મથકોએ વેકસીનેશન સેન્ટરો શરૃ કરવામાં આવ્યા છે જેમાં પંચાયત, રેવન્યુ સહિતના વિભાગોના કર્મયોગીઓને વેકસીન આપવામાં આવશે. જિલ્લાના સૌ નાગરિકોને નિયત કરવામાં આવેલા સ્થળે અને સમયે સૂચિત કરવામાં આવે ત્યારે કોરોના વેકસીન લેવાની અપીલ તેમણે કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારતએ કોરોના પ્રતિકારક રસીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણી વેકસીન સંપૂર્ણ સ્વદેશી અને સુરક્ષિત છે. કોરોના સામે લડવાનું હથિયાર આપણી પાસે ઉપલબ્ધ છે જેથી સૌ કોઈને વેકસીન લેવાની હિમાયત તેમણે કરી હતી.

પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં વેકસીનેશનના પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરોની વેકસીનેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યકિતને આડઅસર જોવા મળી નથી. જયારે બીજા તબક્કામાં પાલિકા, પોલીસ તથા અન્ય સરકારી વિભાગના અધિકારી કર્મચારીઓને વેકસીન આપવાનો પ્રારંભ થયો છે. કોઈ પણ પ્રકારની ગેરસમજ વિના દરેક નાગરિકો નિયત સમયે વેકસીન લઈને પોતાના પરિવાર સહિત શહેર, રાજય અને રાષ્ટ્રને કોરોથી સુરક્ષિત કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

અમરેલી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે. એચ. પટેલએ જણાવ્યું હતું કે જિલ્લામાં વિવિધ કેન્દ્રો પર વેકસીનેશન કેન્દ્રો શરૃ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ, પાલિકા, અન્ય સરકારી વિભાગોના અધિકારી કર્મચારીઓને વેકસીન આપવામાં આવશે. અત્યાર સુધીમાં જિલ્લાનાં ૧૫૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે અને કોઈ આડઅસર જોવા મળી નથી. આમ જ્યારે પણ આપનો વારો આવે ત્યારે નીડરતાપૂર્વક રસી લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.

(1:09 pm IST)