સુરેન્દ્રનગરના કંકાવટીમાં બે જૂથ વચ્ચે અથડામણ : લાકડીઓ અને ધારિયા ઉલાળ્યા: ચાર લોકો ઘાયલ
ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા : ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાના કંકાવટી ગામે બે જૂથો વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે. આ જૂથ અથડામણમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામા આવ્યા છે. પોલીસે ગામમાં ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે બે જૂથો વચ્ચે મારામારીનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયો અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે બે જૂથો વચ્ચે ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થતાં સામાન્ય ઝઘડાએ પળવારમાં વરવુ સ્વરૂપ ધારણ કર્યા બાદ મામલો બિચક્યો હતો. આ જૂથ અથડામણમાં સામ સામે લાકડીઓ વડે મોટા પાયે ટોળાઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા પહેલા ધ્રાંગધ્રા અને પછી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામ આવ્યા છે.
જૂથ અથડામણની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો કંકાવટી ગામમાં પહોંચી ચૂક્યો છે. ગામમાં હાલ સ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે. કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસે હાલ બંદોબસ્ત ગોઠવી દીધો છે. અથડામણ મામલે પોલીસે ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.