સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st August 2022

કેશોદમાં રાશનની દુકાનેથી ચોખાનો જથ્થો પકડાયો

(કમલેશ જોષી દ્વારા) કેશોદ, તા. ૧:   કેશોદ ના ગેલાણ ગામે સસ્તાં અનાજની દુકાનમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો બહાર હેરફેર થતો હોવાની જાણ થતાં જ સ્થાનીક પોલીસે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અનાજના જથ્થા અંગે બિલ જેવા કોઈ કાગળના આધાર પુરાવા ન હોય ચોખાની બોરી અને વાહન જપ્ત કરી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યાં હતા. જેની વિગતો સ્ટેશન ડાયરીમાં નોંધી પુરવઠા વિભાગને જાણ કરી હતી.

ગેલાણાં ગ્રામ પંચાયત નજીક કોમ્યુનિટી હોલમાં સસ્તા અનાજની દુકાન આવેલી છે. સ્થાનીક પોલીસને આ સસ્તાં અનાજની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે સસ્તાં અનાજનો જથ્થો બહાર લઈ જવાતો હોય તેવી બાતમી મળી હતી. આથી પોલીસ ગેલાણા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાને પહોંચી હતી. અને તેમણે જોયું કે વાહનમાં અનાજનો જથ્થો ભરવામાં આવી રહ્યો છે, એટલે પોલીસે આ જથ્થો ક્યાં મોકલવાનો છે અને તેના ખરીદ વેંચાણના બિલના કાગળો જેવા આપાર પુરાવાની માંગ કરી હતાં, જે વિગતો ન મળતાં પોલીસે બોલેરો વાહનમાં ભરવામાં આવેલાં ૫૦ કિલોની ભરતીવાળી ચોખાની ૬૦ પ્લાસ્ટીકની બોરીઓ અંદાજ ૩૦૦૦ કીલો ચોખા જપ્ત કર્યાં હતાં. અને બોલેરો વાહન સાથે કેશોદ પોલીસ સ્ટેશન લાવી હતી.

(1:50 pm IST)