સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 1st September 2020

લોધીકા પંથકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોની મહેનત પર પાણી ફરી વળ્યાઃ સહાય આપવા માંગ

લોધીકા, તા.૧: લોધીકા તાલુકામાં છેલ્લા એક માસથી વરસી રહેલા વરસાદને લઇને તાલુકાનાં મોટા ભાગના ગામોમાં ખેતીની જમીનનું ધોવાણ થયેલ છે. ત્યારે ઉભો મોલ નિષ્ફળ જતા તુરત સર્વે કરી સહાયની માંગણી કિશાનોમાંથી કરવામાં આવેલ છે.

કિશાનોની રજુઆત મુજબ લોધીકા પંથકમાં ખેડુતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાણી છે. પાછલા ત્રણ-ત્રણ વર્ષ થયા આ પંથકમાં અતિ કે અપુરતા વરસાદને પરિણામે ખેડુતોનાં પાક નિષ્ફળ જાય છે. ઉછી-ઉધારા કરી મોંઘા મુલનાં દવા-બિયારણ-ખાતર ખરીદી વાવેતર કરવામાં આવેલ છે. પરંતુ સતત પાક નિષ્ફળ જવાથી ખેડુતો પાયમાલની ગર્તામાં ધકેલાય ગયેલ છે. હાલમાં તાલુકામાં ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહેલ છે. છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાણા છે. ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ છે. સો ટકા ખેતી આધારિત આ તાલુકામાં સતત પડી રહેલ વરસાદને લઇ મગફળી, કપાસ, તેલ, મગ, અડદનો પાક મુરઝાઇ ગયેલ છે.

આવી જ પરિસ્થિતિ માલધારી વર્ગની પણ થયેલ છે. સતત વરસાદને લઇ માલધારી પોતાનાં માલ-ઢોરને ચરાવવા પણ જઇ શકતા નથી. પોતાના પાસે ચારો હતો તે પણ ખલાસ થઇ ગયેલ છે જેથી પશુઓને ભુખ્યા રહેવુ પડે છે. તે સ્થિતિમાં તંત્ર દ્વારા તુરત ઘાસ વિતરણ તથા સહાયની માંગ થયેલ છે. આ તાલુકાનાં કિશાનોને છેલ્લા ચાર-ચાર વર્ષનો પાક વિમો પણ મળેલ નથી દરેક ખેડુતોએ નિયમ મુજબ પ્રિમિયમ પણ ભરી દીધેલ છે.

લીલા દુષ્કાળની આ સ્થિતિમાં જો તંત્ર દ્વારા તાત્કાલીક સર્વે કરી સહાય નહી ચૂકવવામાં આવે તો પાણી હોવા છતા ખેડુતો શિયાળુ વાવેતર કરી શકે તેવી સ્થિતિમાં પણ નથી જેથી તુરત યોગ્ય કરવાં ચાંદલીના કિશાન દિલીપસિંહ જાડેજા, મહેશભાઇ સોરઠીયા, પીપરડીના સાવજુભા જાડેજા, મોહનભાઇ ખુર, વિનુભાઇ ઘેટીયા, રતિભાઇ ખુટ, આંબાભાઇ રાખૈયા ગોબરભાઇ પટેલ સહીતનાઓ કરી છે.

(11:27 am IST)