સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st October 2021

પોરબંદર તથા કુતિયાણા ગ્રામ્યમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૫૭૫ લોકોનું સ્થળાંતર : દરિયામાંથી ૨૦૦૧ બોટો હેમખેમ પરત આવી

ડીઝાસ્ટર ટીમોએ લોકોને સલામત સ્થળે ખસેડવાની મોડી રાત્રી સુધી કામગીરી ચાલુ રાખી : સંપર્ક વિહોણા ગામોના સરપંચો સાથે જિલ્લા તંત્ર મદદમાં : ગ્રામ્યમાં આગોતરા શેલ્ટર હાઉસ ઉભા કર્યા

(પરેશ પારેખ - હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ : જિલ્લામાં ઉપરવાસની નદીના પૂરના ફરી વળેલ પાણીથી પોરબંદર તાલુકા, ગ્રામ્ય, કુતિયાણાના તાલુકા ગ્રામ્ય તથા ઘેડ પંથકમાં નીચાણવાળા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી જિલ્લા કલેકટર અશોકભાઇ શર્માના સંકલન હેઠળની ડીઝાસ્ટર ટીમોએ કુલ ૫૨૫ લોકોને સલામત સ્થળોએ ખસેડાયેલ છે. જિલ્લામાં કેટલાક રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા ગામના સરપંચ સાથે જિલ્લા તંત્રએ હોડી તરાવીને સંપર્ક કરીને મદદમાં આવેલ છે. ડીઝાસ્ટર ટીમોએ લોકોને સલામત સ્થળે ખસેડવાની મોડે સુધી કામગીરી કરી હતી. દરિયામાં ફિશીંગ કરતી ૨૦૦૧ બોટોને વાવાઝોડાની સંભાવનાને પગલે સંદેશા આપી સલામત કાંઠે બોલાવી લીધી હતી.

પોરબંદર જિલ્લાના ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદ તેમજ પૂરના પાણી ને લીધે પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારોના ગામોમાં પાણી આવતા પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર તેમજ ડિઝાસ્ટર તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓની ટીમો લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કલેકટર અશોકભાઇ શર્માના માર્ગદર્શન હેઠળ ગઈ કાલથી શરૂ કરી હતી. મોડી રાત્રી સુધી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની તેમજ માછીમારોને સાવચેત કરવાની દરિયામાંથી પરત લાવવાની પણ સૂચના આપવામાં આવી હતી.

 શહેરના અમુક નીચાણવાળા વિસ્તારમાં તેમજ ખાસ કરીને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી હતી.  પોરબંદર શહેર તાલુકામાં ૨૭૫ તેમજ કુતિયાણા તાલુકામાં ૨૫૦ મળી કુલ ૫૭૫ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઘેડના પાણીને લીધે  ગામો માં વાહન વ્યવહાર બંધ થતા  સરપંચો સાથે- તલાટી સાથે ટેલીફોનીક સંપર્ક કરીને ગામના લોકો નીચાણવાળા વિસ્તારમાં જાય નહીં તેમજ ગામલોકોને ઇમર્જન્સીમાં કોઈ મદદ ની જરૂર  હોય તો તંત્ર  સંપર્કમાં રહે તે માટે સરપંચ અને તલાટી ઓ સાથે પરામર્શ કરવામાં આવી હતી. દર વર્ષે ઘેડમાં પૂરના પાણી આવતા હોવાથી અમુક વિસ્તારમાં અગાઉ આયોજન મુજબ શેલ્ટર હાઉસ પણ ઉભા કરવામાં આવ્યા છે. પાણીને લીધે પોરબંદર જિલ્લાના ૨૩ રસ્તાઓ પ્રભાવિત થયા છે. જયારે દરિયા દરિયામાંથી ૨૦૦૧ બોટ પરત લાવવામાં આવી છે.(૨૧.૨૦)

(1:11 pm IST)