સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st December 2021

કચ્છના કોટડા ગામે થયેલા હુમલાના વિરોધમાં હિન્દુ સમાજની વિશાળ રેલી : ઇજાગ્રસ્ત પાટીદાર યુવાનની હાલત ગંભીર

લગ્ન પ્રસંગે ઘર પાસે ધૂમ સ્ટાઇલ બાઇક ચલવવાની ના પાડ્યા બાદ જૂથ અથડામણ, પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાને બદલે બનાવમાં સામેલ ન હતા એવા હિન્દુ સમાજના લોકો વિરૂધ્ધ આકરી કલમો લગાડી હોવાનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧ :  કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે પાટીદાર પરિવારને ત્યાં લગ્ન પ્રસંગે ઘર પાસે ધૂમ સ્ટાઈલ બાઈક ધીમી ચલાવવાનું કહ્યા બાદ કુહાડી વડે જીવલેણ હુમલો કરાયો હતો. આ બનાવ બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેને પગલે પાટીદાર અને મુસ્લિમ એ બન્ને જૂથ દ્વારા સામસામી ફરિયાદ દાખલ કરાઈ હતી. આ બનાવને પગલે નખત્રાણા મધ્યે હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું.

નખત્રાણા પ્રાંત કચેરી મધ્યે પશ્યિમ કચ્છ વીએચપી ના મંત્રી ચંદુલાલ રૈયાણી એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વિધર્મીઓ દ્વારા ઇરાદાપૂર્વક કરાયેલ જીવલેણ હુમલા માં ગંભીર રીતે ઘવાયેલ પાટીદાર યુવાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આવા અસામાજિક તત્વો સામે પોલીસ કડક પગલાં ભરે. જોકે, આ રેલી દરમ્યાન પોલીસ કાર્યવાહી સામે આક્ષેપો થયા હતા.

હુમલાખોર અસામાજિક તત્વો સામે કાર્યવાહી નથી કરાઈ પણ બનાવમાં સામેલ નહોતા એવા હિન્દુ સમાજના લોકો સામે આકરી કલમો લગાવી કાર્યવાહી કરાઈ હોવાનો આક્રોશ સાથે આક્ષેપ કરાયો હતો. રેલીમાં હિન્દુ સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

(10:08 am IST)