સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

....જ્યારે નરેન્દ્રભાઈએ કચ્છી માડુઓના ખમીર સાથે કચ્છના વિકાસ અને પ્રવાસનને વાગોળી ધોળાવીરાને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવાનો સંકલ્પ દર્શાવ્યો

સભા દરમ્યાન નરેન્દ્રભાઈએ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અને સાંસદ વિનોદ ચાવડા સાથે ગુફ્તેગુ કરી હતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯

અંજારની જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ચુંટણીના વ્યસ્ત માહોલ વચ્ચે જનમેદની સાથે હળવા અંદાજમાં સંવાદ સાધ્યો હતો. કચ્છી પાઘડી અને કચ્છી કોટીમાં સજજ નરેન્દ્રભાઈએ કચ્છ સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. ૨૦૦૧ ના ભૂકંપ સમયને યાદ કરી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમની કામગીરી દરમ્યાન કચ્છી પ્રજાના ખમીરને યાદ કર્યું હતું. ભૂકંપ બાદ સરકારના પ્રયત્નો થકી કચ્છમાં ૧.૫૦ લાખ કરોડનું મૂડી રોકાણ આવ્યું હોવાનું અને ઔધોગિક વિકાસ સાથે પ્રવાસન ક્ષેત્રે સફેદ રણ આજે લેન્ડ માર્ક બન્યું હોવાનું જણાવ્યું હતું. અત્યારે ભુજનું સ્મૃતિ વન એ ભૂકંપ બાદ ફરી ધબકતા થયેલ જન જીવન અંગે માનવ સર્જિત પ્રયાસો વિશે જાણકારી આપી દુનિયાને રાહ ચિંધનાર હોવાનું જણાવ્યું હતું. તેમણે ધોળાવીરાને યાદ કરી યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયા પછી અહીં વૈશ્વિક પ્રવાસન સ્થળ બને એ માટે સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈનું કચ્છી પ્રજા વતી સાંસદ વિનોદ ચાવડાએ સન્માન કર્યું હતું. જ્યારે કચ્છ બેઠકના ભાજપના ૬ ઉમેદવારોએ નરેન્દ્રભાઈને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું. જોકે, સભા દરમ્યાન નરેન્દ્રભાઈએ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદ ચાવડા સાથે ગુફ્તેગુ કરી હતી. વિનોદ ચાવડા ભાજપના સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ઉપરાંત મોરબી કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી પણ છે.

(10:13 am IST)