સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

ગીર સોમનાથઃ ચાર વિધાનસભાના દિવ્‍યાંગ તેમજ વરિષ્‍ઠ મતદારો માટે ૧૧૦ સહાયકો

મૂકબધીર મતદાતાઓ માટે સાઇન લેંગ્‍વેજના નિષ્‍ણાંતની વ્‍યવસ્‍થા

પ્રભાસ પાટણ,તા. ૩૦ : લોકશાહીના આ મહાપર્વમાં દિવ્‍યાંગજનો, મૂકબધીર અને વરિષ્ઠ મતદાતાઓ પણ બહોળા પ્રમાણમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં નોંધાયેલા દિવ્‍યાંગ મતદારો સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલ દ્વારા પીડબલ્‍યૂ ડી નોડલ અધિકારી તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સૈયદ વસીમની નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં જરૂરિયાત મુજબના બૂથો પર સહાયકની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જે અંતર્ગત ૯૦ સોમનાથના ૩૦ બૂથો પર ૨૭ સહાયકો, ૯૧-તાલાળા વિધાનસભા બેઠકમાં જરૂરિયાત અનુસાર ૨૭ બૂથ પર ૨૭ સહાયકો, ૯૨-કોડીનારમાં ૩૦ મતદાન મથક પર ૨૮ સહાયકો તેમજ ૯૩-ઉના મતવિસ્‍તારમાં ૩૩ બૂથ પર ૨૮ સહાયકોની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

દિવ્‍યાંગ મતદારોને મતદાનના દિવસે વિવિધ સેવાઓ પ્રાપ્ત થાય તે માટે ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ નંબર કાર્યરત છે જેના પરથી જરૂરી માહિતી તેમજ વ્‍હીલચેર અને અન્‍ય સુવિધાઓ મેળવી શકે છે ઉપરાંત સાઈન લેંગ્‍વેજના જાણકાર શિક્ષક જુનેદભાઈ રાઠોડ વીડિયો કોલના માધ્‍યમથી મૂકબધીર મતદારોના પ્રશ્નનું નિરાકરણ પણ કરવામાં આવી રહ્યું છે.

(10:13 am IST)