સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 30th November 2022

જૂનાગઢનાં બે રીક્ષા ચાલકોના મોત માટે પોટેશ્‍યમ સાઇનાઇડ કારણભૂત

કાતિલ ઝેરના મુળ સુધી પહોંચવા પોલીસની કવાયત : ઝેર આવ્‍યું કયાંથી?

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦ : જૂનાગઢના બે રીક્ષા ચાલક રફીક હસનભાઇ ધોધારી અને ભરત ઉર્ફે જોન છગનભાઇ દરજીના મોત માટે પોટેશ્‍યમ સાઇનાઇડ કારણભૂત હોવાનું જણાયું છે.

આ કાતિલ ઝેર બંને મૃતકો પાસેથી કયાંથી આવ્‍યુ? તેના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.

શહેરના ગાંધી ચોકના રીક્ષા સ્‍ટેન્‍ડ ખાતે બંને રીક્ષા ચાલકો નશો કરેલી હાલતમાં સોમવારની રાત્રે મૃત અવસ્‍થા મળી આવ્‍યા હતા. બંનેના પોસ્‍ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટમાં બંનેએ વિદેશી દારૂ સાથે પોટેશ્‍યમ સાઇનાઇડ નામના પોઇઝનનો ઉપયોગ કર્યો હોવાનું જણાયું હતું.

તેમજ બંનેના શરીરમાંથી ઇથેનોલનું પ્રમાણ પણ મળી આવ્‍યું હતું. જે દારૂમાં હોવાથી બંનેના ત્‍વરિત મોત નિપજ્‍યા હતા.

પોટેશ્‍યમ સાઇનાઇડ કાતિલ ઝેર છે જે સામાન્‍ય રીતે આતંકવાદીઓ પોતાની પાસે રાખતા હોય છે. ત્‍યારે જૂનાગઢના બંને મૃતક રીક્ષા ચાલકો પાસે આ કાર્તિલ ઝેર કરી રીતે પહોંચ્‍યું ? તે અંગે બી ડીવીઝનના પી.આઇ નિરવ શાહ તપાસ ચલાવી રહ્યા છે.

(11:22 am IST)