મોરબીમાં કોંગી ઉમેદવાર જયંતીભાઇના કારખાનામાં ધોકા અને પાઇપથી તોડફોડ
રીક્ષા અને બાઇકમાં આવેલ અજાણ્યા શખ્સો આતંક મચાવી નુકસાન કરી નાસી ગયા
તસ્વીરમાં ફેકટરીના કેબીનના કાચમાં તોડફોડ કરાઇ હતી તે નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ - મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મતદાનને આડે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે મોરબી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલના સિરામિક કારખાનામાં અજાણ્યા ઇસમોએ આવી પથ્થર અને ધોકા પાઈપ વડે આતંક મચાવી હુમલો કરી નુકશાન કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોરબી-માળિયા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જે પટેલનું ભડિયાદ રોડ પર વિન્ટેજ સિરામિક કારખાનું આવેલ હોય જયાં ગત સાંજના ૪ થી ૦૪ : ૩૦ કલાકના અરસામાં અજાણ્યા ઇસમોએ આવીને પથ્થરમારો કરી તેમજ ધોકા અને પાઈપથી આતંક મચાવ્યો હતો. ફેકટરીના ગેટ પર કેબીનના કાચ તોડી અજાણ્યા ઈસમો નાસી ગયા હતા હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આતંક મચાવી નાસી ગયા હતા ભય ફેલાવવાના ઈરાદે હુમલો કરાયો હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર માહિતી ઉમેદવારના પુત્રએ મીડિયાને આપી હતી. જો કે આ અંગે હજુ સુધી પોલીસમાં ફરિયાદ થઇ નથી.