સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd April 2021

નિખીલ દોંગાએ વોટસએપ કોલ કર્યો ને ઉત્તરાખંડથી ઝડપાઇ ગયો

ત્રણ સાગરીતો રેનીશ પટેલ, સાગર કયાડા, શ્યામલ દોંગા તેની સાથે ઝડપાયાઃ છ સાગરીતોની મદદથી નિખિલ જેલમાંથી હોસ્પિટલ કેવી રીતે પહોંચ્યો? જાપ્તામાં રહેલ પોલીસ સ્ટાફની મદદગારી ઉપરાંત જેલ સ્ટાફની સંડોવણીની તપાસઃ પોલીસ ઓપરેશનની સિલસિલાબંધ હકિકતો

તસ્વીરમાં ઝડપાયેલ ચારેય પોલીસ કર્મચારીઓ નજરે પડે છે(તસ્વીરઃ વિનોદ ગાલાઃભુજ)

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨: કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગાની ફરાર થવાની અને ફરી પકડાઈ જવાની ઘટના એકશન ફિલ્મની સ્ટોરી જેવી છે. જોકે, સુરક્ષાની જે સિસ્ટમના છીંડા શોધી નિખિલ દોંગા ફરાર થયો હતો એ જ સુરક્ષા સિસ્ટમની સતર્કતાથી નિખિલ દોંગા ઝડપાઈ ગયો હતો. આ આખીયે ઘટનાની સિલસિલાબંધ હકીકતો દરમ્યાન એક જાણીતી ઉકિત ફરી એક વાર સાચી પડી છે. ગુનેગારની એક ભૂલ તેને ભારે પડે છે.

કાયદાના હાથ લાંબા છે. ભુજની સરકારી હોસ્પિટલ માંથી પોલીસ જાપ્તા વચ્ચે મધરાતે નંબર પ્લેટ વગરની સફેદ સ્વિફ્ટ કારમાં ફરાર થઈ જનાર નિખિલ દોંગા એ જ કારમાં ભુજથી દિલ્હી થઈ ૧૪૦૦ કીમી ની સફર કરી નૈનિતાલ સુધી પહોંચ્યો. પણ, કુખ્યાત ગુનેગાર ફરાર થઈ જવાની દ્યટના બાદ પશ્યિમ કચ્છ એસપી સૌરભસિંદ્ય અને પોલીસ ટીમે રાજકોટ ગ્રામ્ય, ગોંડલ પોલીસ સાથે મળી સયુંકત રીતે ટેકનિકલ સરવેલન્સ, બાતમીદારો તેમ જ નિખિલ અગાઉ કયાં છુપાયો હતો તે સાથે તેના મોબાઈલ ફોન સહિત દ્યનિષ્ઠ તપાસ જારી રાખી. અગાઉ નિખિલ સુરત, રાજકોટની આસપાસના વિસ્તાર, દિલ્હી, નૈનિતાલ માં છુપાયો હોવાની માહિતી મળી. તેના સાગરીતો અંગે પણ પોલીસે માહિતી મેળવી. તે દરમ્યાન નિખિલ દિલ્હી થઈ નૈનિતાલ પહોંચ્યો હોવાનું સ્પષ્ટ થયું.

જોકે, ત્યાર બાદ નિખિલ તેની એક ભૂલના કારણે સતર્ક રહેલ પોલીસની બાજ નજરમાં આવી ગયો. નિખિલના મોબાઈલ ફોનના સીમ કાર્ડ બંધ હોવા છતાંયે તેના નંબર પર વોચ રાખી રહેલ નિખિલે વ્હોટ્સ એપ કોલ કર્યો અને પોલીસે લોકેશન મેળવી લીધું. સીમ કાર્ડ બંધ કર્યા પછી વ્હોટ્સ એપ કોલ કરવાનું નિખિલ દોંગા ને ભારે પડ્યું. પોલીસે નૈનિતાલ ના હલદવાણી શહેરની એક હોટલમાં છુપાયેલા નિખિલને તેના ત્રણ સાગરીતો શ્યામલ બિપીન દોંગા (દેરડી કુંભાજી) અને ગોંડલના સાગર કિશોર કયાડા, રેનિશ દિયા માલવિયા સાથે ઝડપી લીધો. આ ચારેય પાસેથી જે કારમાં નાસ્યા હતા તે કાર જપ્ત કરી પોલીસે  હવે ટોલનાકાઓ ના સીસી ટીવી ફૂટેજ જપ્ત કરવાની કામગીરી શરૂ કરી વધુ ઊંડી તપાસ હાથ ધરી છે.

જોકે, અન્ય સિલસિલાબંધ હકીકતો પ્રમાણે નિખિલ ની સાથે ઝડપાયેલ ત્રણ સાગરીતો ઉપરાંત ભુજ હોસ્પિટલમાં આવેલ ભરત ઝવેરચંદ રામાણી, ભાવિક ઉર્ફે ખલી ચંદુભાઈ ખૂંટ અને રાજકોટના પાર્થ ધાનાણીની સંડોવણી ખુલી છે. ગઇકાલે પશ્યિમ કચ્છ પોલીસે બે પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓની ધરપકડ કરી તેમાં જાપ્તા દરમ્યાન તેમણે ફરજ પ્રત્યે બેદરકારી દર્શાવી કુખ્યાત ગુનેગાર નિખિલને મદદ કરી હોવાનું સ્પષ્ટ થયું છે. હોસ્પિટલના કેદી વોર્ડમાં નિખિલના સાથીદારો દિવસ રાત તેને મળવા આવતા હતા ઉપરાંત હવે જેલ સ્ટાફની સંડોવણી પણ હોવાની શંકા હોઈ પોલીસે જેલ સ્ટાફની તપાસ શરૂ કરી છે.

રાજકોટ : ભુજથી નંબર વગરની કારમાં સાગરીતો સાથે આરોપી નિખિલ દોંગા ભાગીને રાજસ્થાન દિલ્હી થઇને રાજસ્થાન પહોંચ્યો હોવાના ઇનપુટ મળતાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસે આરોપીને ટ્રેસ કરી લઇને નૈનિતાલ પહોંચી આરોપીને સાગરીતો સાથે ઝડપી પાડી કચ્છ લઇ આવવા રવાના થયા છે.

રાજકોટ તા. ૨ : ૨૯ માર્ચે ભુજની સરકારી હોસ્પિટલમાંથી ભાગેલા ગુજસીટોકના ગોંડલના આરોપી નિખિલ દોંગાએ એક કોલ કરવાની ભૂલ કરી જે પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં મહત્ત્વની સાબિત થઈ હતી. નિખિલે એક કોલ કર્યો, અમદાવાદ એટીએસના ટેકિનકલ સ્ટાફે લોકેશન શોધ્યું અને રાજકોટ એલસીબી, ભુજ એલસીબી અને એટીએસે એક મોલની બહારથી નિખિલ અને તેના ત્રણ સાગરીતને ઝડપી લઈ ૭૨ કલાકમાં ઓપરેશન પાર પાડ્યું હતું.

આરોપીઓને ભુજ લઈ આવવામાં આવશે ત્યારબાદ આ ઘટનામાં કોનો કોનો દોરી સંચાર છે, કાવતરું કયા ઘડાયું, કોણ આરોપીઓ છે તે અંગેની વિગતો પૂછપરછ બાદ બહાર આવશે જેમાં કેટલાક રાજકીય વ્યકિતઓ, ભુજ જેલનો સ્ટાફ અને સરકારી હોસ્પિટલના તબીબ સહિતના વ્યકિતઓની ધરપકડ સુધીના પગલાં લેવાય તેવી સંભાવના છે.

ગોંડલના ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને ભુજની પાલરા જેલમાં ધકેલી દેવાયા બાદ તે બહાર નીકળવા બેબાકળો થયો હતો. આથી રાજકોટ, શાપર અને ગોંડલમાં રહેતા તેમના સાગરીતોનો યેનકેન પ્રકારે સંપર્ક કરીને બહાર નીકળવાનું ષડ્યંત્ર રચ્યું હતું ત્યારબાદ પાંચ દિવસ પહેલા આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો. છ શખ્સ બે કારમાં ભુજ જવા માટે નીકળ્યા તેમાં ભાવિક ઉર્ફે ખલી ચંદુભાઈ ખૂંટ, ભરત રામાણી(શાપર), પાર્થ ધાનાણી(રાજકોટ), સાગર કયાડા(ગોંડલ), નિકુંજ દોંગા(ગોંડલ) અને શ્યામલ દોંગા(દેરડી કું.)નો સમાવેશ થાય છે. એક કારને સામખિયાળી પાસે અકસ્માત નડતા બીજી કારમાં ૩ શખ્સ ભુજ ગયા હતા અને નિખિલને ભગાડી જવાયો હતો.

આ પહેલા ભુજ જેલના ટોચના અધિકારીને લાલચ આપીને પોતાની તરફેણમાં કરી લેવાયા હતા. ત્યારબાદ કેદી પાર્ટીમાં કોણ જશે તે પણ નક્કી કરાયું હતું આ માટે ૪૦દ્મક ૮૦ હજાર રૂપિયાની લેવડ દેવડ પણ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તેમજ સરકારી હોસ્પિટલના એક તબીબે પણ નિખિલની માંદગીના બોગસ કાગળો તૈયાર કર્યા હતા અને આ કારણોસર જ નિખિલને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હોવા છતાં ત્રણ દિવસ રાખવામાં આવ્યો હતો. રૂપિયાના જોરે તમામ સેટિંગ પાર પડ્યા હતા અને ૨૯ માર્ચે નિખિલ ભાગી ગયો. આ અગાઉ ચોક્કસ ગ્રૂપના લોકોએ ૧૦ લાખ સુધીના નાણાં પણ એકત્રિત કર્યા હતા.

નિખિલ ભાગી ગયાની જાણ થતા ગોંડલ ડિવિઝનના અધિકારીઓ, ભુજ એલસીબી અને રાજકોટ એલસીબીએ નિખિલ અગાઉ જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. તેની ચકાસણી શરૂ કરી તેમાંથી કેટલીક મહત્ત્વની વિગતો પોલીસને મળી. નિખિલ કયા શહેરના કયા લોકો સાથે સૌથી વધુ સંપર્કમાં હતો તેનું અલગથી લિસ્ટ બનાવવામાં આવ્યું તેમાં સુરત, રાજકોટ આસપાસના ૫ વિસ્તાર, દિલ્હી અને ઉત્તરાખંડના નૈનીતાલમાં નિખિલ છુપાયો હોય તેવી વિગતો જૂના કોલ ડિટેઈલના આધારે મળી ત્યારબાદ ટેકિનકલ બાબતોમાં તકલીફ ન પડે તે માટે એટીએસને પણ સાથે રાખવામાં આવી હતી.

(11:00 am IST)