સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd April 2023

જયસુખ પટેલને અચાનક છાતીમાં દુખાવો ઉપડી ગયો

મોરબી પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી જયસુખ પટેલ હોસ્પિટલમાં દાખલ : કેસની વધુ સુનાવણી ૧૫ એપ્રિલે હાથ ધરવામાં આવશે

રાજકોટ,  મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા કંપનીનો માલિક જયસુખ પટેલની અચાનક તબીયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જયસુખ પટેલે અચાનક છાતીમા દુખાવો ઉપડ્યાની ફરિયાદ કરતા તેને જેલથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. ઉલ્લેખનીય છે કે, પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. તે બહાર આવવા માટે સતત જામીન અરજીઓ કરી રહ્યો છે. જણાવી દઈએ કે, ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ રવિવારે સાંજે મચ્છુ નદી પર બનેલો પુલ ઓવરલોડને કારણે તૂટી પડતા સરકારી આંકડા અનુસાર વૃદ્ધો-બાળકો અને મહિલાઓ સહિત કુલ ૧૩૫ લોકોના મોત થયા હતા. આ કેસની હાલ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મોરબી ઝુલતો પુલ દુર્ઘટનામાં કોર્ટમાં આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયો હતો અને કોર્ટે ૩૦ માર્ચની મુદ્દત આપી હતી. જેથી શુક્રવારે તેને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને વધુ સુનાવણી ૧૫ એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા બાદ પોલીસે તરજ ઓરેવો ગ્રુપના મેનેજર સહિત ૯ આરોપીઓને ઝડપી લીધા હતા અને ૩ મહિના સુધી ફરાર રહેલા ઓરેવો ગ્રુપના એમડીએ પણ આખરે કોર્ટની સામે સરેન્ડર કર્યું હતું જેથી પોલીસે તેની કાયદેસરની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા બાદ પૂછપરછ કરી હતી અને પછી તેને સબજેલ મોકલવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, એક મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેણે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

દરમિયાન તપાસ અધિકારીએ આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ કોર્ટે ૧૭ માર્ચની મુદ્દત આપી તી. જેથી તેને મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાજર કરાો હતો અને કોર્ટે ૩૧ માર્ચની મુદ્દત પાડી હતી. શુક્રવારે પણ વધુ એક મુદ્દત પડતા હવે આ કેસની સુનાવણી માટે ૧૫ એપ્રિલની તારીખ જાહેર કરાઈ છે.

(11:36 am IST)