સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd April 2023

અનેક નાના મોટા વેપારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા

ફોન-પેના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી લાખોની છેતરપિંડી : રીઢા ગુનેગારને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો

જામનગરઃ જામનગરમાં જુદા જુદા વેપારીઓને દુકાને જઇને ફોન-પેના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ફોન-પે અપડેટ કરવાના બહાને પાસવર્ડ જાણીને ત્યારબાદ નાના વેપારીઓના ખાતામાંથી પૈસા પડાવી છેતરપીંડી કરનાર રીઢા ગુનેગારને જામનગર સાયબર ક્રાઇમની ટીમે પકડી લીધો છે, જેમાં પાંચ ગુનાના ભેદ ઉકેલાયા છે. અગાઉ પણ આ રીતે પાંચ વેપારીઓને ચુનો લગાવ્યાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં આ ચોરે નવી મોડસ ઓપરેન્ડી બનાવી હતી. આ યુવક ફોન-પે ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી દુકાનદારો પાસે જતો હતો. તે ફોન-પે અપડેટ કરવાના બહાને વેપારીઓને કહેતો કે, તેમજ ફોનમાં રહેલો ક્યુઆરકોડનો ઉપયોગ કરી ગુગલ-પે કરવાથી પૈસાની લેવડ-દેવડમાં ફાયદો થશે. આવા બહાના બતાવી દુકાનદારોને વિશ્વાસમાં લઇ બેહલાવી-ફોસલાવી દુકાનદારનો મોબાઇલ મેળવી લેતો. બાદમાં ફોન-પે એપ્લીકેશન ચાલુ કરાવી તેના યુ.પી.આઇ. પીન નંબર મેળવી ફોનમાં થોડીવાર કંઈક એક્ટિવીટી કરીને ફોન પરત આપતો હતો. બે-ત્રણ વાર દુકાનદાર પાસે આવી ફોન-પે બરાબર ચાલે છે કે નહિ તેવું ચેક કરવાનું જણાવતો. આ બાદ તેમનો મોબાઇલ મેળવી લાખો રૂપિયા ટ્રાન્સફર કરતો હતો.

જામનગરમાં આ બાબતની ફરિયાદો વધી રહી હતી. વેપારીઓ સાથે આ રીતે છેતરપીંડી બાબતની ફરીયાદ મળી હતી. જે મુજબ જામનગર જિલ્લાના વિવિધ દુકાનદારો પાસેથી ઇકબાલ સમા નામના વ્યક્તિ દ્વારા ફોન-પેના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી છેતરપીંડી આચરી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું. તે નાના વેપારીઓ પાસેથી કુલ રૂ.૨,૦૮,૦૦૦ની છેતરપીંડી કરેલ અને જામનગરથી નાસી ગયો હતો.

આ પ્રકારના ગુન્હાઓ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. આરોપીને પકડી પાડવા સાયબર ક્રાઇમની વિશેષ ટીમે આરોપીના મોબાઇલ નંબરની ડિટેઈલ મંગાવી હતી. તેમજ લોકેશન મંગાવી તેનું ટેકનિકલ એનાલિસીસ કર્યુ હતું. આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા ગુનામા સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

તેની અટકાયતક કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા  પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો છે કે, કોઇ પણ અજાણ્યા વ્યક્તિને મોબાઇલ ફોન તેમજ કોઇ પણ પ્રકારનો પાસવર્ડ આપવો નહિ તેમજ કોઈ નાણાકીય વ્યવહાર કરવો નહિં

(11:39 am IST)