સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

કચ્છ જાણીતા સામાજિક કાર્યકર, જૈન અગ્રણી કલ્યાણજી કારૂભાઈ શાહનું કોરોનાથી નિધન

કચ્છના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાની ધૂણી ધુખાવી હતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨:  કચ્છમાં કોરોનાના વધતા જતા વ્યાપ વચ્ચે વધુ એક અગ્રણીનો જીવનદીપ બુઝાયો હતો. વર્ષોથી મુંબઈ છોડીને વતન કચ્છમાં આરોગ્યસેવાની ધુણી ધુખાવનાર કલ્યાણજી કારુભાઈ શાહનું કોરોનાથી આજે સવારે દુઃખદ નિધન થયું હતું. તેમને કોરોના ડિટેકટ થયા બાદ વધુ સારવાર માટે કચ્છથી વડોદરા ખસેડાયા હતા. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઈની સ્ટીલ બજારના અગ્રગણ્ય વ્યાપારી એવા કલ્યાણજી કારૂભાઈ નાગડા (શાહ)એ પોતાનો ધીકતો વ્યવસાય મૂકીને વતન માંડવી તાલુકાના ભોજાય ગામે જાણીતા સામાજિક કાર્યકર લીલાધર ગડા 'અધા' સાથે રહી ભોજાય સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા આરોગ્યસેવાની શરૂઆત કરી હતી. ભોજાય ગામે આંખ, કેન્સર, સ્ત્રી રોગ, જનરલ સર્જરી સાથેની આરોગ્યસેવા ઉપરાંત હમણાં ડાયાલીસીસ સેન્ટર તેમ જ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા હતા. સદાય હસતા રહીને દિન દુખિયાની સેવા કરતા 'કલ્યાણજી કાકા'ઙ્ગ જૈન સાધુ, સાધ્વીજીઓની વૈયાવચ્છમાં પણ સદાય અગ્રેસર રહેતા હતા. તેમના દુઃખદ નિધનથી સામાજિક સેવાકીય ક્ષેત્રે કચ્છને પણ મોટી ખોટ પડી છે. કચ્છના જાણીતા જૈન દાતાઓ, રાજકીય, સામાજિક આગેવાનો, સાધુ, સંતોએ તેમને ભાવભરી અંજલિ અર્પી છે.
 

(11:52 am IST)