સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

ભાવનગરના ભાલ પંથકમાં પાણીઃ ૬ હજાર કાળિયાર હરણ પર જોખમ

નેશનલ પાર્કના રપ% વિસ્તારમાં પૂર ફરી વળ્યું: એક ટોળુ ફસાયાનો વિડીયો વાયરલ : તમામ સલામત હોવાની વન વિભાગની પૂષ્ટિ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર : ભાલ પંથકમાં વરસાદી પુરના પાણી ફરી વળ્યા છે અને વાડી, ખેતરો તથા રહેણાંકો તેમજ ભાવનગર-અમદાવાદ હાઇવે દરેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે ત્યારે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આ સંજોગોમાં કાળીયાર હરણો પર પણ જીવનું જોખમ ઉભું થયું છે. કાળીયારનું એક ટોળુ પાણીમાં ફસાયું હોય અને લોકો તેની મજા લઇ રહ્યાં હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ચકચાર મચી છે. આ વીડિયો ભાલના સવાઇનગરનો હોવાનો વન વિભાગે પુષ્ટિ કરી હતી સાથે તમામ હરણો સલામત હોવાનો દાવો કર્યો છે.

ભાલ પ્રદેશમાં આવેલ કાળીયાર અભ્યારણ નેશનલ પાર્કમાં રપ૦૦ અને બહારના વિસ્તારમાં ૩પ૦૦ મળી લગભગ ૬૦૦૦ કાળીયા હરણ અહીં વસવાટ કરી રહ્યાં છે. દુર્લભ પ્રજાતિના કાળીયાર હરણ પર ચોમાસામાં પુરની સ્થિતિ સર્જાય ત્યારે જીવનું જોખમ વધે છે. રિઝર્વ પાર્ક હોવા છતાં હરણો મુકત પણે વિહરવા ટેવાયેલા છે. આથી જ છેક ભાવનગરના નારી અને કુંભારવાડા સુધી કાળીયાર આવી ચડે છે.

ભાલના સવાઇનગર, ગુંદાળા, ખેતાખાટલી, મેવાસા, તેમજ કાનાતળાવ, પાટણા, રાજગઢ વિગેરે વલ્લભીપુરના વિસ્તારોમાં કાળીયાર ફરતા રહે છે. ચોમાસામાં નદીઓમાં ઘોડાપુર આવે અને ખાસ કરીને સમગ્ર ભાલ વિસ્તાર જળ મગ્ન બની જાય ત્યારે કાળીયાર હરણો પર જીવનું જોખમ વધી જાય છે. પાણીમાં તેઓ દોડી શકવામાં મુશ્કેલી અનુભવે છે તો ચીકણી માટીમાં સફાઇ જાય છે. આ સંજોગોમાં શ્વાન માટે તેઓ આસાનથી શિકાર બની જાય છે.

હાલ ભાલના મોટાભાગના ગામો પાણીમાં બુડ છે ત્યારે કાળીયાર હરણો પર તલવાર લટકી રહી છે. આથી વન વિભાગ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરાયું છે. કાળીયાર અભ્યારણના અધિકારી અંકુર પટેલએ એક વાતચીતમાં જણાવ્યું કે, નેશનલ પાર્કના લગભગ રપ% વિસ્તારમાં પાણી પુરના પાણી ઘુસ્યા છે, પરંતુ પાર્કના અન્ય વિસ્તારમાં ઉંચાઇ પર પોઇન્ટ બનાવેલા છે. કાળીયારો ત્યાં સલામત રીતે ખસી જાય છે, જયારે બહારના વિસ્તારમાં પરિભ્રમણ કરતા કાળીયારની સ્થિતિ પર નજર રાખવા પેટ્રોલીંગ વધારી દેવાયું છે. પુરના પાણી વધવા સાથે કાળીયાર હરણોના જીવ પર ચોક્કસ જોખમ વધુ છે જે નિવારવા પૂરતા પગલા લેવામાં આવી રહ્યા છે.

 

(11:15 am IST)