સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

'માનવતા સાથે કાયદાકીય જંગ'નો અમલ દોરડા પર ચાલતા નટ જેવુ સંતુલન જાળવવા જેવું જ પડકારરૂપ કાર્ય : હર્ષદ મહેતા

યોધ્ધાઓની સાફલ્ય ગાથા દાયકાઓ સુધી લોકમુખે રહેશેઃ બોટાદ જીલ્લા પોલીસ વડા 'અકિલા' સમક્ષ વર્ણવે છે ઐતિહાસિક પળો : 'કોવીડ-૧૯ વૈશ્વિક મહામારી અને બોટાદ જીલ્લાના યોધ્ધાઓ' અભૂતપૂર્વ દસ્તાવેજ સાથેના રસપ્રદ પુસ્તકનું વિમોચન

કોવીડ-૧૯ વેૈશ્વિક મહામારી અને બોટાદ જીલ્લાના યોધ્ધાઓ પુસ્તકનું વિમોચનઃ બોટાદના અનુભવી જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા સંકલીત ઐતિહાસિક દસ્તાવેજ સમા પુસ્તકનું વિમોચન ભાવનગર રેન્જના ડીઆઇજી અશોકકુમાર યાદવ દ્વારા થયું તે પ્રસંગની તસ્વીરમાં કલેકટર વિશાલ ગુપ્તા અને બોટાદના જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્રષ્ટિગોચર થાય છે. અન્ય તસ્વીરમાં માનવતા સાથેના કાયદાકીય જંગની યાદગાર તસ્વીરો.

રાજકોટ, તા., ૨: કોવીડ-૧૯ની વૈશ્વિક મહામારી દરમિયાન બોટાદ જીલ્લા પોલીસના યોધ્ધાઓ જેવા ઐતિહાસિક દસ્તાવેજોનું ખુબ જ સરળ અને સામાન્ય લોકોને સમજાય તે રીતે આલખેન કરતું બોટાદના જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા સંકલીત પુસ્તકનું બોટાદ પોલીસ હેડ કવાર્ટર ખાતે ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા કલેકટર વિશાલ ગુપ્તાની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું છે.

લાખો લોકોની મૂળભુત જરૂરીયાતોથી પર થઇ તેઓને ઘરમાં જ રાખવા પોલીસ માટે એક પડકાર જનતા કફર્યુ અને લોકડાઉન દરમિયાન રહયો કોવીડ દરમિયાન કઇ રીતે કામ કરવું તેની સ્વભાવીક રીતે પોલીસની કોઇ તાલીમશાળામાં માર્ગદર્શન ન અપાયું હોય પોલીસે પોતાની વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી લોકોના સમુહ, વિવિધ સામાજીક સંગઠનો તથા સમાજને કંઇક આપવાની માનસિકતા ધરાવતા લોકોના સહયોગથી આ લડત કઇ રીતે ચાલી, કઇ રીતે ચાલુ રહેશે તેની સાફલ્ય ગાથા એ જ કોવીડ-૧૯ વૈશ્વિક મહામારી અને બોટાદ જીલ્લાઓના યોધ્ધાઓ પુસ્તકનું હાર્દ છે તેમ અકિલા સાથેની વાતચીતમાં દળદાર પુસ્તકની ટુંકમાં સુંદર રીતે વ્યાખ્યા આપતા જણાવ્યું હતું.

જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવેલ કે અમોએ પોલીસને માનવતા સાથે કાયદાકીય જંગ એવો મંત્ર તો આપ્યો પરંતુ આનો અમલ દોરડા પર ચાલતો નટ જે રીતે  સંતુલન જાળવે છે તેવો જ પડકાર તંત્ર માટે હતો લોકોના અભુતપુર્વ સહયોગ અને અમારા તમામ સાથી પોલીસ સ્ટાફ તથા રેન્જ વડા અશોકકુમાર યાદવના માર્ગદર્શનથી સફળતાની સીડીઓ ચઢયા, હજુ પણ ચઢી રહયા છીએ.

(11:47 am IST)