સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

બગસરાની અનેક સોસાયટીમાં ભુગર્ભ ગટરના ગંદાપાણી વહેવા લાગ્યા!!

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.ર : બગસરા શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લે પડેલા વરસાદ પછીથી ભૂગર્ભ ગટરો ભરાઈ જતાં અનેક જગ્યાએથી પાણી ગટરોની બહાર વહીને ખુલ્લા વિસ્તારમાં ભરાવા લાગ્યા છે. આ સમસ્યાને કારણે આ વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની શકયતા વધી ગઈ છે.

વિગત અનુસાર બગસરા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા અવિરત વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોએ કે તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા હતા જેને લીધે વરસાદ ના પાણી ભૂગર્ભ માં ઉતરતા અનેક જગ્યાએ ભૂગર્ભગટર ભરાઇ જતા સોસાયટી વિસ્તારમાં આ ભૂગર્ભ ગટરના પાણી વહીને બહાર નીકળી રહ્યા છે.

ભૂગર્ભ ગટરો બંધ થવાથી ગોકુળ પરા વિસ્તાર, મેદ્યાણીનગર ,ગાયત્રીનગર રણુજાધામ સોસાયટી, સહિતના વિસ્તારમાં લોકોના દ્યર વપરાશના પાણી પણ દ્યરમાં રહેતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ બાબતે પાલિકા તંત્ર દ્વારા અગાઉ એક સપ્તાહ મહેનત કરી હોવા છતાં મામલતદાર કચેરી વિસ્તારમાં બંધ થયેલી મુખ્ય ગટર શરૂ નહિ થતા પરિસ્થિતિ જેમની તેમ રહી છે તંત્ર આ બાબતે વધુ મહેનત કરી લોકોને પડી રહેલી મુશ્કેલીનો અંત લાવે તે માટે વોર્ડ નંબર ૩ સદસ્ય દિલીપભાઈ વાળાઙ્ગ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે. ભૂગર્ભ ગટરમાં ફસાયેલું પાણી દબાણને કારણે અન્ય વિસ્તારોમાં બહાર નીકળી રહ્યું છે અને ખુલ્લા પ્લોટ અને મેદાનોમાં ફેલાતું હોવાથી રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઇ છે.

(11:49 am IST)