સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ પોલીસ કમિશ્નર-રેન્જ નાયબ પોલીસ મહા નિરીક્ષક દ્વારા ભાવાંજલી

રાજકોટ :રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતીએ એમની 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ'રાજકોટ ખાતે પોલીસ કમિશ્નનર મનોજ અગ્રવાલ (આઈપીએસ) તથા રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ (આઈપીએસ) દ્વારા ભાવાંજલિ અર્પણ થઈ. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેવી આ બન્ને સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી આઈપીએસ પોલીસ અધિકારીઓએ લાગણીભેર અંજલિ અર્પી હતી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવાર (મામા), નેશનલ યુથ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલીયા અને વાલજીભાઈ પિત્રોડા આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

ચોટીલાની પોલીસ-લાઈન જન્મેલાં ઝવેરચંદ મેઘાણીનું 'લાઈન-બોય' તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે.બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા નીડર અને નેકદિલ પિતા કાળીદાસ દેવચંદ મેઘાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી થતાં, ઝવેરચંદ મેઘાણી ૨થી ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રઘુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના કવાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા હતા. આની સ્મૃતિરૂપે, ૨૦૧૮માં, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે મેઘાણી-તકતી તથા મેઘાણી-સાહિત્ય કોર્નરની સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્થાપના થઈ હતી જે ખાસ ઉલ્લેખનીય છે. ઙ્ગ

૧૨૪મી મેઘાણી-જયંતી અવસરે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા (આઈપીએસ)એ જન્મભૂમિ ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી જયારે કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:55 am IST)