સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd September 2020

લોકડાઉનના લાં..બા સમય પછી દ્વારકામાં ભાદરવી પૂનમે દર્શન માટે ભાવિકોની ભીડ

દ્વારકા : પ્રથમ તસ્વીરમાં દ્વારકાધીશ મંદિર તથા બીજી તસ્વીરમાં ભાવિકોની ભીડ નજરે પડે છે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર : દ્વારકા યાત્રાધામમાં લોકડાઉનના લાંબા સમય બાદ કોરોનાની મહામારી વચ્ચે પણ રાજય સરકારે આપેલી છુટછાટ અને દર માસની પૂનમના દર્શન માટે આવતા યાત્રિકોનો પુનઃ પ્રવાહ શરૂ થયો છે. આજે ભાદરવી પૂનમ હોવાથી વહેલી સવારે મંગળાના દર્શન કરવા દ્વારકાધીશ મંદિરમાં ગોમતીઘાટમાં સ્નાન માટેનો પ્રવાહ જોવા મળ્યો હતો.

માત્રને માત્ર યાત્રાધામ અને પ્રવાસન તરીકે છેલ્લા દાયકામાં વિકસેલા દ્વારકામાં ફરીથી યાત્રીકોનો તથા ધ્વજાજી ચડાવવાનો પ્રવાહા શરૂ થતા વેપાર ધંધા તથા સ્થાનિક રીક્ષા ચાલક અને પ્રસાદ વિતરણ તથા હોટેલ, રેસ્ટોરન્ટમાં ટ્રાફીક જોવા મળતા ફરીથી દ્વારકા ધીમે ધીમે ધમધમશે તેવું અનુમાન થઇ રહ્યું છે

દ્વારકાના દર્શન સર્કીટમાં આવતા રૂક્ષમણી માતાજી મંદિર, નાગેશ્વર જયોતિલીંગ તથા બેટ દ્વારકા જેમાં નજીકના ધાર્મિક સ્થળો ઉપર પણ ધીમે ધીમેફરીથી યાત્રિકો સળવળતા જોવા મળે છે એવું લાગી રહ્યું છે કે દ્વારકાવાસીઓ ઉપર ધંધા રોજગાર માટે દ્વારકાધીશની કૃપા થઇ છે.

લોકડાઉન-૪માં સરકારે એકસો જેટલી સંખ્યામાં ધાર્મિક પ્રસંગો કરવા માટેની ગાઇડ લાઇનથી ફરીથી દ્વારકામાં ધ્વજાજી માટેની શોભાયાત્રા તથા મંદિરમાં અન્નકુટ ઉત્સવો વિગેરેમાં પણ ઉતરો ઉતર ઉત્સાહ સાથે વધારો થાય તેવું લાગી રહ્યું છે.

લોકડાઉનની સાથે જ દ્વારકામાં મેઘરાજાએ પણ વિરામ લેતા ફરીથી દ્વારકામાં ઉઘાડ પણ નિકળેલ છે.

(4:03 pm IST)