સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

ગોંડલ યાર્ડમાં ટેકાના ભાવની મગફળી ખરીદી નોંધણીમાં હોબાળો મચી ગયો

ગોંડલ,તા. ૨: રાજય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવની મગફળી ખરીદી નોંધણી શરૂ કરવામાં આવી હોય જેમાં માત્ર શહેરના ખેડૂતોની નોંધણી હાથ ધરાતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો રોષે ભરાયા હતા બનાવના પગલે થોડીવાર હોબાળો મચી જવા પામ્યો હતો.

માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી નોંધણી કરાવવા આવેલ વિપુલ રૈયાણી નામના ખેડૂતે રોષ સાથે જણાવ્યું હતું કે ગોંડલ તાલુકાના ગામોમાં કોઈપણ જગ્યાએ નોંધણીની વ્યવસ્થા નથી તો ગ્રામ્ય વિસ્તારનો ખેડૂત કઈ જગ્યાએ નોંધણી કરાવવા જાય ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારથી ખેડૂતો આવી ગયા પરંતુ ગ્રામ્ય વિસ્તારના એક ખેડૂતની નોંધણી થવા પામી નથી જેના કારણે રોષ ફેલાવા પામ્યો સરકારે જો ગ્રામ્ય લેવલે નોંધણી કરાવવી હોય તો ત્યાં પહેલા વ્યવસ્થા ઉભી કરવી જોઈએ નહીં કે માત્ર વાતો જ કરવી જોઈએ.

ગ્રામ્ય વિસ્તારના કોમ્પ્યુટર ઓપરેટરોને ગત વર્ષનું મહેનતાણું પણ મળ્યું ન હોય જેથી તેઓ હડતાલ પર જતા રહેતા ગ્રામ્ય વિસ્તારની નોંધણીની કાર્યવાહી ખોરંભાઇ છે સરકારે વહેલી તકે કોમ્પ્યુટર ઓપરેટરો નું મહેનતાણું ચૂકવી ગ્રામ્ય લેવલે નોંધણી શરૂ કરાવી જોઈએ જેથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હેરાન ન થાય તેમ કનકસિંહ જાડેજા (વાઇસ ચેરમેન ગોંડલ યાર્ડ)એ જણાવ્યું છે.

(11:25 am IST)