સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

ભાવનગરના તળાજાના ખેડૂતોની ઓનલાઇન રજીસ્ટ્રેશન નોંધણી ન થતા રોષની લાગણી

મગફળી ખરીદી નોંધણીમાં પ્રથમ ગ્રાસેજ મક્ષિકા

ભાવનગર, તા.૨: ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું સરકાર બંધ કરે! આ આશ્ચર્ય જનક શબ્દો તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના મુખેથી ઉચ્ચારાતા સાંભળવા મળ્યા. કારણકે ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ સરકાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે કરેલી જાહેરાત ના પ્રથમ દિવસે ખેડૂતો પરેશાન થતાજોવા મળ્યા હતા.

સરકાર દ્વારા ગામડે ગામડે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર ની નિમણુંક કરવામા આવી છે પણ આજે ઓનલાઈન કરવાના પ્રથમ દિવસેજ તેઓ હડળતાલ પર ઉતરતા પ્રથમ દિવસે જ મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો.

વી.સી.ઓ દ્વારા પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તે માટે આજે તેને સરકાર નું નાક દબાવવા નો પ્રયાસ કર્યો હતો. જેથી ખેડૂતો ને પરેશાની વેઠવી પડી હતી.તળાજા યાર્ડ ખાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાનું હોય વહેલી સવાર થી ખેડૂતો રજિસ્ટ્રેશન માટે ઉમટી પડયા હતા. પ્રથમ ત્રણ કલાક માજ ૫૧૩ ખેડૂતોની નોંધણી થઈ હતી. જોકે સર્વર ૧૦:૩૦પછીજ શરૂ થવાની સાથે ડાઉન ચાલવાની ફરિયાદ ઉઠી હતી.અહીં કમસે કમ પાંચ કોમ્યુટર સિસ્ટમ મુકવા અને સર્વર સવારે સાત વાગ્યે શરૂ કરવાની માંગ કરી હતી.

ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી અને વ્યાપક નહિ બને તો તળાજા તાલુકાના હજારો. ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવ્યા વગર રહી જશે.

મોટાઘાણા ગામના ખેડૂત કરણાભાઈ આહીર એ જણાવ્યું હતુંકે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર ન આપેલો હોય તો લિંકમાં એરર દેખાડે છે. સરકારે આ સિસ્ટમમાં પણ સુધારો લાવવાની જરુર છે. જયારે પસ્વી ગામના ખેડૂત દેહાભાઈ બોઘાભાઈના જણાવ્યા પ્રમાણે સવારે ૧૦:૩૦ કલાકે સર્વર ખુલે છે.તેના બદલે સવારે ૭ વાગે ખુલી જવું જોઈએ.યાર્ડ ખાતે એકજ કોમ્પ્યુટર સિસ્ટમ કાર્યરત છે જે વધારવાની જરૂર છે.જો તેમ નહિ થાય તો અનેક ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવ્યા વગર રહી જશે.

નિગમ દ્વારા યાર્ડમાં પાંચથી વધુ કોમ્પ્યુટર સિસ્ટમ ગોઠવવી જરૂરીઃ યાર્ડ ઇન્સપેકટર

તળાજા યાર્ડના ઇન્સપેકટર પાચુભાઈ આહીર એ જણાવ્યું હતું કે આજે વહેલી સવાર થી ખેડૂતો આવી ગયા હતા.રજિસ્ટ્રેશન માટે.અહીં નિગમ દ્વારા એકમાત્ર કોમ્પ્યુટર સિસ્ટમ મુકવામાં આવી છે તેના બદલે પાંચથી વધુ સિસ્ટમ મુકવામાં આવે તે જરૂરી છે. જયારે ત્રાપજ ગામના ખેડૂત શૈલેષભાઈ વળિયા નું કહેવું છેકે ખેડુત ને અત્યારે સિઝન છે. અહીં રજિસ્ટ્રેશન માટે સવાર ના ઉભા છીએ. કયારે સર્વર ચાલે અને કયારે રજિસ્ટ્રેશન થાય તે ખબર નથી. સરકાર દ્વારા ખેડૂત પોતાનાજ મોબાઈલ અથવા સાયબર કાફેમાં જઇ રજિસ્ટ્રેશન કરાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ

(11:37 am IST)