સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

જે ભગવાનને શ્રધ્ધાપુર્વક સમર્પિત બને છે, તેના યોગક્ષેમનું વહન સ્વયં ભગવાન કરે છેઃ પૂજય ભાઇશ્રી

પોરબંદર હરિમંદિરે અધિક પુરૂષોતમ માસની શ્રીમદ ભાગવત કથા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર : ભાગવતના દસમાં સ્કંધને ભગવાનનું હૃદય કહેવામાં આવે છે. ભગવાનના ચરણરૂપ પ્રથમ અને દ્વિતીય સ્કંધ છે. એટલે કે જીવ જયારે અનન્ય ભાવથી ભગવાનનું શ્રધ્ધાપુર્વક શરણ સ્વીકારી તેમના ચરણમાં સમર્પણ કરી દે છે ત્યારે ભકતના યોગક્ષેમની જવાબદારી ભગવાન સ્વયં વહન કરે છે, એમ જાણીતા કથાકાર પુજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ બુધવારે અધિક પુરૂષોતમ માસના ૧૪મા દિવસે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞના પ્રારંભે શ્રી હરિ મંદિર પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.

સંસ્કૃતિ ફાઉન્ડેશન નોર્થ અમેરિકા અને કેનેડાના સંયુકત તત્વાવધાનમાં આ શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ સાંદિપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે પુરૂષોતમ માસ નિમિતે યોજાઇ રહી છે. યુ ટયુબ તથા અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશોનાં શ્રોતાજનો જોડાયા. ઉલ્લેખનીય છે કે sandippani.jio tv પર દરરોજ સાંજે ૪ થી ૬.૩૦ જીવંત પ્રસારણ થઇ રહયુ છે તથા તેના રેકોર્ડેડ પ્રસારણનો લાભ સંસ્કાર ટીવી ચેેનલ ઉપર સવારે ૧૦ થી બપોરે ૧ર.૩૦ દરમિયાન લઇ શકાશે. પુજય ભાઇશ્રીએ જણાવ્યું શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે. કલિકાલના આ સમયમાં આપણા કાર્યમાં જયારે મુશ્કેલી સર્જાય ત્યારે સાક્ષાત ભાગવતરૂપી જ્ઞાનના પ્રકાશથી બધી સમસ્યા- દ્વિઘાનું સમાધાન આપે છે. શ્રીમદ ભાગવતના જે ૧ર સ્કંધ છે. ભગવાન શ્રી કૃષ્ણના ૧ર અંગોની ઉપમા આપીને ભગવાન માનવામાં આવે છે. તેમનું શરણ લેવાથી માયાના બંધનથી છુટી શકાય છે. ભાગવતની વિલક્ષણતા બતાવતા કહયું કે તેના ત્રણ સ્વરૂપ છે. ભાગવત સંહિતા પણ છે અને ગ્રંથ પણ છે. જયારે કથાવાંચન થાય ત્યારે તે પુરાણરૂપ છે. પુજયભાઇશ્રી જણાવ્યું કે આપણે કાર ચલાવતા પુર્વે તેની જાણકારી મેળવવી આવશ્યક બની જાય છે. નહીંતર અકસ્માત થઇ જાય એવી જ રીતે આપણે ગ્રંથોનું જ્ઞાન મેળવવાનું હોય તેના નિયમનની જાણકારી પણ મેળવવી જોઇએ. ગ્રંથોમાં માત્ર શબ્દાર્થ જ જાણવો પુરતો નથી. આવી જાણકારી મેળવ્યા બાદ ગ્રંથ કે પુરાણનું વાંચન કરવાથી શકિત અને જ્ઞાનનો પ્રકાશ થાય છે.

(12:55 pm IST)