સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd October 2022

ગુજરાતમાં બાસ્કેટબોલની ગેમના વિકાસમાં ભાવનગરનું મોટું યોગદાન છે - ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ડો. રજનીકાંત પટેલ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને પસંદગીકાર એવાં શ્રી ડો. રજનીકાંત પટેલ જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં બાસ્કેટબોલની ગેમના વિકાસમાં ભાવનગરનું ખૂબ મોટું યોગદાન છે. ભાવનગરના અનેક ખેલાડીઓ ગુજરાત રાજ્યની ટીમમાં અને આંતરરાષ્ટ્રીય ટીમમાં રમી ચૂક્યાં છે.
નેશનલ ગેમ્સ અંતર્ગત ૧ ઓક્ટોબર થી ૬ ઓક્ટોબર સુધી ભાવનગરમાં બાસ્કેટબોલની લીગ મેચ રમાવવાની છે. તેમાં મહિલાઓના વિભાગમાં આઠ -ટીમ અને પુરુષના વિભાગમાં આઠ -ટીમો લીગ મેચો રમશે અને તેને આધારે વિજેતા બનેલી ટીમો આગળ સેમિફાઇનલ અને ફાઇનલમાં પોતાનું કૌવત બતાવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાસ્કેટબોલ એ ઇન્દોર સ્ટેડિયમમાં રમાતી રમત છે. ભાવનગર ખાતે ઉપલબ્ધ મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરની આ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેનો મોટો ફાળો ભાવનગર સાથે ગુજરાત રાજ્યને મળવાનો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અંદરની પ્રતિભા બહાર આવે તો જ કૌશલ્ય બતાવી શકાય છે. માત્ર જોવાથી તેમાં કુશળતા કે નિપુણતા હાંસલ કરી શકાય નહીં.
 આથી જ જ્યારે ભાવનગરમાં આ ગેમ રમાઈ રહી છે ત્યારે તેનો મોટો લાભ ભાવનગરના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને થવાનો છે.
તેમણે ભાવનગરવાસીઓને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાં ઉપસ્થિત રહેવા પણ અનુરોધ કરી સાથે તેમના યુવા દીકરા- દીકરીઓને પણ લાવવા જણાવ્યું હતું. જેથી કરીને તેઓ રાષ્ટ્રીય સ્તરની આ રમતો જુએ અને તેમાંથી પ્રેરણા મેળવે

(6:59 pm IST)