પાલિતાણામાં ડોલી યુનિયનના સભ્યો પાસેથી ઉઘરાણું કરનાર પાસામાં
મના રાઠોડને ભુજ અને લાલા રાઠોડને રાજકોટ જેલ હવાલે કરાયો
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩: પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજય પર્વત ઉપર દર્શનાર્થીઓને પર્વત ઉપર લઇ જવા તથા નીચે લાવવા માટે ડોલીવાળા તરીકે કામ કરતાં કામદારોનું પાલીતાણા ડોલી કામદાર યુનિયન બનાવવામાં આવેલ.જે યુનિયનનાં સભ્યો પાસેથી છેલ્લાં વીસેક વર્ષથી બળજબરીપુર્વક નાણાં ઉઘરાવવાની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતાં મનાભાઇ ભોપાભાઇ રાઠોડ તથા તેનાં ભાઇ લાલાભાઇ ભોપાભાઇ રાઠોડ રહે.બંને પાલીતાણા સામે અલગ-અલગ બે ફરિયાદો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી.
જે ગુન્હાઓમાં નીચે મુજબનાં આરોપીઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ. ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉપરોકત ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંડોવાયેલ બંને માથાભારે શખ્સો વિરૃધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,ભાવનગરનાંઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી. જે અંગે બંને ઇસમો વિરૃધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ. જે બંને ઇસમોને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરવામાં આવેલ છે. ભાવનગર,એલ.સી.બી. દ્વારા મનાભાઇ ભોપાભાઇ રાઠોડ રહે.પાલીતાણાવાળાને ખાસ જેલ, ભુજ ખાતે તથા લાલાભાઇ ભોપાભાઇ રાઠોડ રહે.પાલીતાણાવાળાને મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે જેલ હવાલે કરવામાં આવેલ છે.