સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

જૂનાગઢમાં પોલીસ દ્વારા લોન-ધિરાણ માર્ગદર્શન કેમ્‍પ યોજાયો

૩૦૦ જેટલા લોકોને પ્રથમ હપ્‍તા રૂપે ૧૦ હજાર મળે તેના ફોર્મ ભરવામાં આવ્‍યા

જુનાગઢ તા. ૩: કેન્‍દ્ર અને રાજય સરકારની વિવિધ યોજના હેઠળ મળતી લોન આવા લોકોને મળી રહે એ માટે એસપીના માર્ગદર્શન હેઠળ લોન-ધિરાણ માર્ગદર્શન કેમ્‍પનું આયોજન કરાયું હતું.ᅠ

આ કેમ્‍પમાં વડાલના એક મોટી ઉંમરના વડીલ આવ્‍યા હતા. જેઓ ફેરિયા તરીકે જૂનાગઢમાં કામ કરે છે.

તેમણે પ્રધાનમંત્રી સ્‍વ સહાય યોજના હેઠળ પ્રથમ રૂ. ૧૦ હજારની લોન માટે વિનંતી કરી હતી. જોકે, તેઓ ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવતા હોવાથી તેમને લોન મળવી શક્‍ય નહોતી. આ સાંભળીᅠ એસપી રવી તેજા વાશમશેટ્ટીએ એજ ક્ષણે કહ્યું, કાકા પોલીસ તમારી જામીન પડશે. તાત્‍કાલિક જ કેશવ ક્રેડિટ કો. ઓપરેટીવ સંસ્‍થાના અધિકારીએ આ વ્‍યક્‍તિને લોન મળી જશે તેવી ખાતરી આપતાં તેમની આંખમાં આંસુ આવી ગયા હતા.

જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે ગુરુવારે સાંજે ૪ થી ૬ દરમ્‍યાન એસબીઆઈ, બેન્‍ક ઓફ ઇન્‍ડિયા, પંજાબ નેશનલ બેન્‍ક, ગ્રામીણ બેન્‍ક, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર અને મનપાના સહયોગથી લોન-ધિરાણ કેમ્‍પનું આયોજન કરાયું હતું. જેમાં એસપી રવીતેજા વાશમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ ડિવાયએસપી હિતેષ ધાંધલિયા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્‍થિતિ હતા.

આ કેમ્‍પમાં પ્રધાનમંત્રી સ્‍વ સહાય યોજના હેઠળ ૩૦૦ જેટલા લોકોને પ્રથમ હપ્તા રૂપે રૂ. ૧૦ હજાર મળે એ અંગેના ફોર્મ ભરવામાં આવ્‍યા હતા. એ ઉપરાંત અન્‍ય વ્‍યવસાય માટે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રમાંથી સાધન સહાય લોન મળતી હોય તેના માટે ૭૦૦ જેટલા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. મુદ્રા યોજના સહિતની વ્‍યવસાય લક્ષી લોન યોજના અંગે ઉપસ્‍થિત લોકોને જાણકારી આપવામાં આવી હતી.

(11:39 am IST)