સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

ખંભાળિયા નજીક યંત્ર આધારિત જુગારધામ પર પોલીસ ત્રાટકી

જામખંભાળિયા તા. ૩ : ખંભાળિયા-ભાણવડ ધોરીમાર્ગ પર અત્રેની આશરે ૧૭ કિલોમીટર દુર ભાણખોખરી ગામના પાટીયા પાસે આવેલી એક દુકાનમાં સ્‍થાનિક પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરી, આ દુકાનમાં એલ.ઇ.ડી.સ્‍ક્રીન પર આંક ફેરનો નસીબ આધારિત જુગાર રમતો હોવાનું પોલીસના ધ્‍યાને આવ્‍યું હતું.

આ સ્‍થળે યંત્રોના ચિત્ર પર જુગારીઓને રૂપિયા ૧૧ મુકાવી, દર ચાર મિનિટે ડ્રો કરીને વિજેતા થતા આસામીને ૧૧ ના બદલામાં રૂપિયા ૧૦૦ આપવામાં આવતા હોવાનું ખુલવા પામ્‍યું હતું.

આ ઓન-લાઇન માર્કેટિંગ પ્રકારના જુગારના ઓપરેટર જુના તથિયા ગામના ઋત્‍વિકગીરી ઉર્ફે લાલો સુભાષગીરી ગોસ્‍વામી સાથે કેસુર હાજા કરમુર, અલ્‍પેશ ભીખુભાઇ સામાણી અને રીછા ગગા પિંડારિયા નામના કુલ ચાર શખ્‍સોને આ સ્‍થળેથી ઝડપી લેવામાં આવ્‍યા હતા.

આ દરોડામાં ઉપરોકત શખ્‍સો પાસેથી પોલીસે રૂપિયા ૩૪,૪૧૦ રોકડા તથા રૂપિયા ૩૯,૧૦૦ નું એલ.ઇ.ડી.ટીવી.સિલ્‍વર કોઇન, મોબાઇલ ફોન વિગેરે મળી કુલ રૂપિયા ૭પપ૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અંગેની વધુ પુછપરછમાં ઉપરોકત સ્‍થળે દુકાન ભાડે રાખનાર ઇમ્‍તિયાઝબાપુ નુરમામદ તેમજ હોનેસ્‍ટ ઓનલાઇન માર્કેટિંગના હરીશકુમાર જગદીશ પ્રસાદ જાગીર (રહે. માધાપર-તા.કચ્‍છ) પણ સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્‍યું હતું. જેથી ખંભાળિયા પોલીસે જુગારધારાની કલમ મુજબ ચારેય શખ્‍સેની અટકાયત કરી, ઇમ્‍તિયાઝબાપુ તથા હરીશકુમારને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વધુ તપાસ પી.એસ.આઇ. આઇ.આઇ.નોયડા ચલાવી રહ્યા છે.

(1:42 pm IST)