સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

ખેત ઉત્‍પાદન ટકાવી રાખવા સહકારી મંડળીઓ મારફત ધીરાણ આપવુ જોઇએઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ, તા., ૩: જસદણનાં પુર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરીના પુર્વ ચેરમેન અને જસદણ માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે રાજયના કૃષી મંત્રી રાઘવજીભાઇ પટેલ જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓ મારફત કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નવા પ્રયોગો કરવાથી ખેડુતોની આવક બમણી થશે એવી આશા વ્‍યકત કરેલી જે ખુશીની વાત છે. ખેડુતોની આવક બમણી કરવામાં આવશે એવી વાતો ઘણા વરસોથી થાય છે પણ કોઇ પરીણામ મળેલ નથી.

જુદા જુદા શાકભાજીના તેમ જ નવા બિયારણના સંશોધનો કરીને ઉત્‍પાદનમાં વધારો થાય પરંતુ જયાં સુધી ખેડુતોને પુરતા પ્રમાણમાં ભાવ મળે નહી ત્‍યાં સુધી આવકમાં વધારો થાય એવુ માનવુ ભુલ ભરેલું છે. શાકભાજી, ટમેટા કે કોબી વિગેરેના ઉત્‍પાદનમાં વધારો થવાથી પુરતા ભાવ નહી મળવાથી ઘણી વખત માલ ઢોરને ખવડાવી દેવા પડે છે. તેમ જ રસ્‍તા ઉપર ફેંકી દેવાના પ્રસંગો બને છે. યાર્ડના હરરાજીના ભાવ અને બજારમાં વેચાતા શાકભાજીના ભાવમાં કેટલો તફાવત હોય છે તે આપણે સૌ જાણીએ છીએ.

કૃષિ યુનિ. મારફત આ સંશોધનો પાછળ ૧ એકરે કેટલુ ખર્ચ થાય છે અને તેનું કેટલુ ઉત્‍પાદન થાય છે તે પ્રમાણે તેની કિંમત નક્કી થવી જોઇએ અને તે પ્રમાણે ભાવ મળવા જોઇએ. વધુ પ્રમાણમાં ઉત્‍પાદન થાય છે. ત્‍યારે ભાવમાં ઘટાડો થાય છે. એ હકીકત છે. બિયારણ, મજુરી, વીજળી, ખાતર, દવા, ખેતી વિગેરેના ખર્ચમાં વધારો થવાથી ખેડુતોની આવકમાં વધારો થવો અસંભવ છે. ખેડુતોએ ગ્રીન ફાર્મના નામે અખતરા કરી જોયા તેમાં પણ નિષ્‍ફળતા મળી છે અને વધારે કરજદાર બન્‍યાના દાખલા બન્‍યા છે. નવા માલની આવક થવાથી વેચાણ થાય છે ત્‍યારે દર વખતે ભાવ ઘટે છે. ખેડુતોને સસ્‍તા ભાવે માલનું (ઉપજનું) વેચાણ કરવાની ફરજ પડે છે. ખેડુતોના ઉત્‍પાદનને ટકાવી રાખવા માટે સહ. મંડળીઓ મારફત માલ તારણ (ધીરાણ) આપવાની વ્‍યવસ્‍થા ચાલુ કરવી જોઇએ તેમ અંતમાં રાઘવજીભાઇ પટેલે જણાવ્‍યું છે.

(4:16 pm IST)