સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd July 2021

ખંભાળિયામાં બાઇક સ્લિપ થતાં અશોક પેટ્રોલપંપના એકાઉન્ટનું મોત

ઘરેથી પમ્પે નોકરીએ જતા હતા દરમિયાન પરોઠા હાઉસ પાસે બનાવઃ સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડયોઃ વિપ્ર પરિવારમાં શોક

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩ : ખંભાળિયાના યોગેશ્વરનગર-રમાં રહેતા અને અશોક પેટ્રોલપંપમાં છેલ્લા ર૧ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં મહેન્દ્રભાઇ ઉર્ફે મુકેશભાઇ વેલજીભાઇ ત્રિવેદી (ઉ.વ.૬૧) નામના વિપ્ર આધેડ ગઇકાલે પોતાનું બાઇક જીજે૩૭-ડી-પર૮૭ નંબરનું લઇ નિત્યક્રમ મુજબ ઘરેથી પમ્પે નોકરીએ જતા હતા. ત્યારે વ્યાસ પરોઠા હાઉસ પાસે પહોંચતા ટર્ન લેવા ગયા હતા. દરમિયાન બાઇક સ્લિપ થઇ જતાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતની જાણ થતા અશોક પેટ્રોલપંપના માલિક અનિલભાઇ દાવડા સહિતના દોડી ગયા હતા અને તાત્કાલીક સારવાર માટે જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં અને બનાવ અંગે રાજકોટ અભ્યાસ કરતા તેમના પુત્ર રાજને ફોન કરીને જાણ કરતાં પુત્ર સહિતના પણ જામનગર હોસ્પિટલે પહોંચી ગયા હતા. મહેન્દ્રભાઇને માથામાં વધુ ગંભીર ઇજા હોવાથી તેને જામનગરથી રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર કારગત ન નિવડતા દમ તોડી દીધો હતો. બનાવની જાણ ખંભાળિયા પોલીસને કરવામાં આવતા જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પુત્ર રાજ રાજકોટ આત્મીય કોલેજમાં એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે. પિતાના મોતથી ત્રણ સંતાનોએ છાયડો ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(12:53 pm IST)