સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

૧૫૦ ટકાથી વધુ વરસાદ પડતા કાલાવડ તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગણી

કૃષિમંત્રી આર.સી.ફળદુને પત્ર પાઠવીને જામનગર જીલ્લા પંચાયતના સદસ્ય જે.પી.મારવિયાની રજૂઆત

(રફીક શાહમદાર દ્વારા) નિકાવા તા.૩ : કાલાવડ તાલુકાને અતિવૃષ્ટિમાં લીલો દુષ્કાળ જાહેર કરવા જામનગર જીલ્લા પંચાયતના સદસ્ય અને એડવોકેટ જે.પી.મારવિયાએ કૃષિમંત્રી આર.સી.ફળદુને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

જે.પી.મારવિયાએ રજૂઆતમાં જણાવ્યુ છે કે, કાલાવડ તાલુકામાં આ વર્ષે સીઝનનો ૧૫૦ ટકાથી સૌથી વધુ વરસાદ પડેલ હોય આથી કાલાવડ તાલુકાના મોટાભાગના તમામ ગામડાઓમાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય તેવા દ્રશ્યો ઉભરાઇ આવ્યા છે ખેડૂતોને તેમની જમીનનો રામમોલની ઉપજનો તમામ પાક જેવા કે મગફળીમાં સતત પાણી ભરાઇ જવાથી પીળાશ પડી નાશ પામેલ છે અને તલ, ડુંગળી, અડદ, મગ, એરંડા, સોયાબીન, કપાસ સહિતના પાકનો સોથ બોલી ગયેલ છે અને પાકો સાવ નષ્ટ થઇ ગયા છે આથી ખેડૂતને તેમની મેઇન ઉપજનો ભાગ ગુમાવવો પડેલ છે.

મોંઘીદાટ જંતુનાશક દવાઓ, સુપર ખાતર અને કાળજાળ મોંઘવારી જેવી મજૂરીને કારણે ખેડૂતો લુટાઇ ગયા છે તેમજ સતત વરસાદના કારણે જમીનમાંથી પાણીના રેસા ફુટી નીકળતા પાણીનો પ્રવાહ વહેતો રહે છે આથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થતા ખેડૂતોને મોટાપાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકારે તેની પડખે ખડીખમ વહારે ઉભા રહેવાને બદલે આજે આંખ આડા હાથ ધરી લીધા છે. આવા સમયે આ કાલાવડ તાલુકામાં સરકાર ખેતીવાડી અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરી ખેડૂતોને તેમના પાકની ઉપજ અને જમીનના નુકશાનોનુ સર્વે કરાવી કાલાવડ તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત સમાવેશ કરી તેના નિતી નિયમ મુજબ તાત્કાલીકના ધોરણે તેઓને સહાય આપવા અંતમાં માંગણી કરી છે.

(11:45 am IST)