સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

વંથલીના પીએસઆઇ અને વધુ ૪ પોલીસ કર્મી થયા કોરોનાગ્રસ્ત

આરોગ્ય કર્મચારી સંઘનાં પ્રમુખ પણ સંક્રમિત : કેશોદ તાલુકા ભાજપ પ્રમુખનો પણ રિપોર્ટ પોઝીટીવ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૩ :.. જૂનાગઢ જિલ્લામાં સંક્રમણ વધતા લોકો અને તંત્ર ચિંતામાં મુકાય ગયું છે. બુધવારે વધુ ૩૦ કોરોના પોઝીટીવ નોંધાયા હતાં. વંથલીના પીએસઆઇ અને વધુ ચાર પોલીસ કર્મી તેમજ આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ ઉપરાંત કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ પણ કોરોના સંક્રમિત થયા છે.

બુધવારે જૂનાગઢ સીટીમાં ૧૯ કોરોના દર્દીનો વધારો થયેલ. જૂનાગઢ રૂરલમાં ૩, માણાવદર તેમજ મેંદરડામાં બે-બે કેસ, અને કેશોદ, માળીયા, માંગરોળ તથા વંથલીના એક-એક પોઝીટીવ કેસ મળી કુલ ૩૦ કેસ સામે આવ્યા હતાં.

દરમ્યાનમાં વંથલી પોલીસ સ્ટેશનનાં ૯ પોલીસ કર્મીના અગાઉ સંક્રમિત થયા બાદ વધુ ચાર પોલીસ કર્મી ઉપરાંત પીએસઆઇ કે. એમ. ઓડેદરાનો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

આમ વંથલી પોલીસ મથકનો મોટા ભાગનો સ્ટાફ કોરોનાની ઝપટે ચડી જતાં કામગીરીને ભારે અસર થઇ છે.

જુનાગઢ આરોગ્ય કર્મચારી સંઘનાં પ્રમુખ સુરેશભાઇ વડારીયા તેમજ કેશોદ તાલુકા ભાજપનાં પ્રમુખ ગોવિંદભાઇ બારીયા પણ કોરોનાની ઝપટે ચડી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ વધીને ૧૭૮૧ થયા છે. જયારે ૬ર કોરોના દર્દીના મૃત્યુ થયા છે.

જો કે અત્યાર સુધીમાં ૧પ૪ર દર્દીઓએ  કોરોના સામે વિજય પણ મેળવ્યો છે.

(12:41 pm IST)