સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd September 2020

જેતપુર પાસે ટ્રેકટર હડફેટે નાના ભાદરાના બે ભાઇઓના મોત

ધોરાજી પંથકનાં બન્ને ભાઇએ દુકાન માટેની ખરીદી કરીને પરત જતા હતા ત્યારે દુર્ઘટના સર્જાતા અરેરાટી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૩: જેતપુર નજીક બાઇક ચાલક બે ભાઇઓને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા ધોરાજી તાલુકાના નાના ભાદરા ગામનાં બે ભાઇઓ વલ્લભભાઇ છગનભાઇ અંટાળા (ઉ.વ. ૬૮), ગોપાલભાઇ છગનભાઇ અંટાળા (ઉ.વ. પ૮) ના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજી તાલુકાના નાના ભાદરા ગામે રહેતા અને કરીયાણાની દુકાન ધરાવતા વલ્લભભાઇ છગનભાઇ અંટાળા ઉ.વ. ૬૮ વાળા ને દુકાન માટે સામાનની ખરીદી કરવાની હોય જેતપુર તેનું બાઇક હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે-૦૩-એફએ-ર૪૧૪ વાળુ લઇ સાંજે આવેલ ખરીદી કરી પરત ફરતા હતા ત્યારે સાંજે ૭ વાગ્યાના અરસામાં સરધારપુર રોડ પરથી તેના ભાઇ ગોપાલભાઇ છગનભાઇ અંટાળા (ઉ.વ. પ૮) બન્ને ડબલ સ્વારીમાં જતા હતા ત્યારે સામેથી પુર ઝડપે આવતા ટ્રેકટર નંબર જીજે૦૩-એચકે-૩૮૦ર ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં હોન્ડા સ્પ્લેન્ડરને હડફેટે લેતા વલ્લભભાઇ, ગોપાલભાઇ ફંગોળાઇ જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલે રવાના કરેલ જયાં બન્નેનું મોત નીપજતા પોલીસે વલ્લભભાઇના પુત્ર વિજયભાઇની ફરીયાદ પરથી ટ્રેકટર મુકી નાસી છુટેલ ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી તાલુકા પી.એસ.આઇ. પી. જે. બાટવા, હાર્દિકભાઇ ઓઝા, ભુપેન્દ્રસિંહ મોરી સહિતનાએ હાથ ધરી હતી.

(12:44 pm IST)