સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd November 2020

અમરેલી જિલ્લાના ધારી વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું : તંત્ર દ્વારા ૮૦૨ દિવ્યાંગ મતદારો માટે ૪૧ વ્હીલચેરની વ્યવસ્થા : પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે કેન્ડિડેટ બટનની બાજુમાં બ્રેઇલ લીપીમાં નંબર દર્શાવાઈ

અમરેલી, તા: ૩ ૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ધારી વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગજનોએ અનેરો જુસ્સો બતાવી ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તંત્ર દ્વારા દિવ્યાંગજનોની સહભાગીતા વધે, ચૂંટણી દરમ્યાન તેઓને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ થાય અને દિવ્યાંગ મતદારો જાગૃત બને તેમજ તેઓને તેમની દિવ્યાંગતા મુજબ કોઇ પરેશાની ન થાય તેવા શુભ આશયથી સમાજ સુરક્ષા ખાતા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. 

       સમાજ સુરક્ષા ખાતાના અધિકારી શ્રી સૈયદ જણાવે છે દિવ્યાંગ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે, તેમને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ થાય અને તેમની વાણી-વર્તન વ્યવહાર યોગ્ય રીતે થાય અને તેમની જાણકારી ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ જાણકારી મેળવે બ્રેઇલ લીપી તથા સાઇન લેંગવેજ બાબતે જાણકારી અને સમજ મેળવે હેતુથી દિવ્યાંગજનોની ખાસ જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખી શકાય તે માટે કેટલાક દિવસો પુર્વે ચૂંટણી તંત્રના કર્મીઓની ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગજનો પ્રત્યે વિવેકપૂર્ણ રીતે વર્તવા, મતદાન મથક ઉપર રેમ્પની સગવડતા પુરી પાડવા વ્હીલચેર સહેલાઇથી હરીફરી શકે તેવું મતદાન મથકનું દ્વાર પહોળુ રાખવા તથા મત કુટીર ફરતે પુરતી જગ્યા રાખવા તથા મતદાન ઓરડા સુધી પહોંચવા યોગ્ય પથદર્શક નિશાનીઓ રાખવા, મત આપવા દિવ્યાંગોને અગ્રતા આપવા સહાયકની સુવિધા પાડવા અને તેમની સાથેના કરવા સાઇન વગેરે બાબતની તાલીમ આપવામાં આવી હતી.

        તેમણે ઉમેર્યું હતુ કે મતદાનના દિવસે દિવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી મતદાન કરી શકે અને અને મતદાન કરવા એમને અગવડતા ન ઉભી થાય તે માટે કુલ ૪૧ વ્હીલચેર મતદાન મથક ઉપર મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી ૪૧ મતદાન લોકેશનમાં ૮૨ મતદાન જેટલા બુથ આવરી લેવામાં આવ્યા હતા. જેમાં કુલ ૮૦૨ દિવ્યાંગ મતદારોને વ્હીલચેરની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિ દિવ્યાંગતા ધરાવતા કુલ ૫૪ લાભાર્થીઓ આગામી મતદાનના દિવસે મતદાન કરે તેવા સંકલ્પપત્ર લેવામાં આવ્યા હતા. ધારી વિધાનસભા મત વિસ્તારના જુદી જુદી કુલ ૩ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

      પ્રજ્ઞાચક્ષુ - દિવ્યાંગ મતદારોને મતદાન કરવાની સરળતા રહે તથા જાણકાર પ્રજ્ઞાચક્ષુ મતદાર તેઓના સાથીદારની સહાય વિના મત આપી શકે માટે બેલેટ યુનિટ પરના દરેક ઉમેદવારના નામ સામેના કેન્ડિડેટ બટનની બાજુમાં બ્રેઇલ લીપીમાં નંબર દર્શાવાયા હતા. તેની મદદથી મતદાર પોતાના પસંદગીના ઉમેદવારનો ક્રમાંક ડમી બેલેટ પેપર આધારે જાણી બેલેટ યુનિટ પર બ્રેઇલ સંકેતોના આધારે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી શકે તેવા આશયથી ચૂંટણી પંચ દ્વારા દરેક મતદાન બુથ પર ડમી બેલેટ પેપર આપવામાં આવ્યા હતા.

  મતદાનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કોવીડ-૧૯ ની તમામ ગાઇડલાઇન્સનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો. મતદાન મથકે આવતા તમામ મતદારોને સૌપ્રથમ સેનિટાઇઝરથી હેન્ડ સેનિટાઇઝ અને ટેમ્પરેચર માપ્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝ આપવામાં આવ્યા હતા. અને હેન્ડ ગ્લોવ્ઝથી જ મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન કર્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝનો કચરાપેટીમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આમ, સમગ્ર મતદાનની પ્રક્રિયા ખુબ જ સુરક્ષિત રીતે હાથ ધરવામાં આવી હતી.

(1:16 pm IST)