સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

મોરબીના પંચાસર ગામે ત્રણ વર્ષ પૂર્વેના ફાયરીંગ હત્યા કેસમાં તમામ છ આરોપી નિર્દોષ જાહેર

મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા સરકારી વકીલ ચુકાદાથી નારાજ, હાઈકોર્ટમાં અપીલ કરશે

મોરબી તાલુકાના પંચાસર ગામે માર્ચ ૨૦૧૮ માં ફાયરીંગ અને હત્યાનો બનાવ બન્યો હોય જે બનાવ મામલે પોલીસે છ આરોપીને ઝડપી લીધા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા આજે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે છ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે તો સરકારી વકીલ ચુકાદાથી નારાજ હોય અને હાઈકોર્ટમાં અપીલ કરશે તેમ જણાવ્યું હતું

બનાવની મળતી વિગતો મુજબ પંચાસર ગામે ચકચારી ફાયરીંગ અને હત્યાના બનાવમાં ઈજાગ્રસ્ત પરાક્રમસિંહએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી સહદેવસિંહ લાલુભા ઝાલા અને તેનો ભાઈ હિતેન્દ્રસિંહ લાલુભા ઝાલા તેમજ કાકો ભત્રીજો રાજ મહેન્દ્રસિંહ ઝાલા અને અરવિંદ ગંભીરસિંહ ઝાલા ઉપરાંત ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા અને તેના ભાઈ વિક્રમસિંહ નાથુભા ઝાલા એમ છ આરોપીઓએ રેતી ઉપાડવા બાબતે બોલાચાલી થઇ હોય જેમાં રાજ ઝાલા નામના આરોપીને મરણ જનાર સહદેવસિંહ ઝાલા સાથે ફોનમાં ગાળાગાળી થઇ હતી જે બાબતે કૌટુંબિક ભાઈની છત ભરાતી હોય તે સ્થળે આવી રાજ ઝાલાએ મરણ જનાર સહદેવસિંહ ઝાલાને તું મને મારી નાખીશ કહીને લમણે રિવોલ્વર રાખી હતી અને આટલી જ વાર લાગે તેમ બોલી ત્યાં જ ગોળીઓ ધરબી દઈને હત્યા કરી હતી તો અન્ય આરોપીઓએ હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા અને આરોપીઓએ ૩ નાની અને ત્રણ મોટી એમ છ હથિયારો સાથે આવી બઘડાટી બોલાવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ, હત્યાનો પ્રયાસ, હત્યા તેમજ આર્મ્સ એક્ટ અને સમાન ઈરાદો ધરાવવાની કલમ ૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
જે ફાયરીંગ અને હત્યાના ગુન્હામાં પોલીસે છ આરોપીને ઝડપી લીધા હતા અને હત્યાના બનાવ અંગે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતા આજે બચાવ પક્ષના વકીલ ભગીરથસિંહ ડોડીયાની દલીલોને ધ્યાને લઈને કોર્ટે છ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા હત્યાના આરોપી રાજ મહેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, હિતેન્દ્રસિંહ બાલુભા ઝાલા, સહદેવસિંહ બાલુભા ઝાલા અને અરવિંદસિંહ નટુભા ઝાલા એમ હત્યા કેસમાં તમામ છ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા
સરકારી વકીલ ચુકાદાથી નાખુશ, સરકાર તરફે હાઈકોર્ટમાં અપીલ કરશે
આજે હત્યા કેસમાં તમામ આરોપીને નિર્દોષ છોડવાનો કોર્ટે હુકમ કર્યો છે ત્યારે મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાની કોર્ટના ચુકાદાથી નારાજ હોવાનું જણાવ્યું હતું તેમજ તેઓ સરકાર તરફે હાઈકોર્ટમાં અપીલ કરશે તેમ જણાવ્યું હતું

(10:38 pm IST)